બેન્કમાં નોકરી કરતા યુવકની લાશ પી.જી.ના રૃમમાંથી મળી
પી.એમ. રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે
વડોદરા,કેનેરા બેન્કમાં નોકરી કરતા બેંગલોરના યુવકની લાશ રૃમમાંથી મળી આવી હતી. જોેકે, મોતનું કારણ હજી જાણી શકાયું નથી. મૃતકનો મોબાઇલ ફોન પોલીસે તપાસ અર્થે કબજે લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઠી ચાર રસ્તા પાસે સ્ટાન્ઝા લીવીંગ, ઓસ્લો હાઉસમાં પી.જી.તરીકે રહેતો ૨૫ વર્ષનો વેન્કટા શીવાકુમાર નવલે મૂળ બેંગલોરનો વતની છે. વડોદરામાં તે કેનેરા બેન્કમાં નોકરી કરતો હતો. ગઇકાલથી પરિવારના સભ્યો તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ, તે ફોન રિસિવ કરતો નહતો. જેથી, તેઓએ વોર્ડનને જાણ કરી હતી. વોર્ડને સિક્યુરિટી ગાર્ડને તપાસ કરવા મોકલ્યો હતો. પરંતુ, રૃમનો દરવાજો બંધ હતો.જેથી, ચાવી લઇ દરવાજો ખોલતા વેન્કટા રૃમની અંદર મરણ ગયેલી હાલતમાં ઉંધો પડેલો હતો. તેના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. જે અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વેન્કટાએ ઝેરી દવા પીધી હોવાની ક્યાં પછી તેને અસ્થમાની બીમારી હોઇ દવાનો ઓવરડોઝ લેવાથી તેનું મોત થયું હોવાની શક્યતા છે. જોકે, મોતનું કારણ પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.