સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાંથી બીજા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો
- પાલિકાની ફાયર ટીમની શોધખોળ બાદ
- પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી : પરિવાર સહિત મિત્રોમાં શોકનું મોજુ ફરી વળ્યું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાં ડૂબેલા યુવકની ભારે શોધખોળ બાદ બીજા દિવસે લાશ મળી હતી. પરિવારની હાજરીમાં પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે પરિવાર સહિત મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો હતો.
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડુબી જવાથી તેમજ અપમૃત્યુના બનાવો વધી રહ્યાં છે. ત્યારે બે દિવસ પહેલા દુધરેજ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક યુવક ડુબ્યો હોવાની જાણ થતા પાલિકાની ફાયર ફાયટર ટીમે શોધખોળ હાથધરી હતી પરંતુ, યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો. સતત બીજે દિવસે સવારથી ડુબેલા યુવકની શોધખોળ હાથધરવામાં આવી હતી. ત્યારે બપોર બાદ કેનાલમાં ડુબેલા યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જેની પ્રાથમીક તપાસમાં મૃતક યુવક ભગીરાજસિંહ ઝાલા હોવાનું જણાઈ આવ્યું હતું. જેની જાણ થતાં પરિવારજનો સહિત મૃતકના સગા-સબંધીઓ આવી પહોંચ્યા હતા. પોલીસની હાજરીમાં મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવાની તજવીજ હાથધરી હતી. જ્યારે યુવકના મોતના બનાવથી પરિવારજનો સહિત મિત્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.