ધ્રાંગધ્રા શહેરના મોચીવાડમાં ગટરમાંથી આધેડનો મૃતદેહ મળ્યો
- મોતનું સચોટ કારણ પીએમ રિપોર્ટમાં બહાર આવશે
- અગમ્ય કારણોસર ગટરમાં પડી જવાથી આધેડનું મોત નિપજ્યું હોવાનું અનુમાન
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલ ગટરમાંથી એક આધેડની લાશ મળી આવતા આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ ટીમને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.
ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ વિસ્તારમાં આવેલી ગટરમાં એક અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. ગટરમાંથી લાશ પડી હોવાની જાણ થતાં લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. આ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસ ટીમને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાશની ઓળખ અંગે તપાસ હાથધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમાં રહેતા ઉસ્માનભાઈ અલીભાઈ સુમરા હોવાનું બહાર આવ્યું હતું. તેમજ અગમ્ય કારણોસર ગટરમાં પડી જવાથી મોત નિપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આધેડના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત પાછળનું સચોટ કારણ જાણવા મળશે.