જામનગર શહેર અને જિલ્લામાં આકરા તાપની સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ : સૂર્યદેવતાનો પ્રકોપ
Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, અને બપોર દરમિયાન કાળજાળ ગરમી પડી રહી છે. ગત સપ્તાહે વરસાદી વાતાવરણ બાદ વાદળો હટયા હતા, અને પવનની તીવ્રતામાં પણ ઘટાડો થઈ ગયા પછી ભારે ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
બપોર દરમિયાન ગરમીનો પારો 35 ડીગ્રી આસપાસ રહેતો હોવાથી અને ભેજનું પ્રમાણ પણ 89 ટકા થઈ જતું હોવાથી ઉકળાટ જેવી પરિસ્થિતિ સર્જાય છે, અને લોકો પરસેવે રેબજેબ થઈને અકળાઈ ઉઠ્યા છે.
ખાસ કરીને શરદ પુનમના તહેવાર બાદ વાતાવરણમાં પ્રસરી જતી હોય છે, ઉપરાંત તાજેતરમાં વરસાદી વાતાવરણ બાદ બે દિવસ ઠંડક રહી હતી, પરંતુ હવામાનમાં ફરી બદલાવ આવ્યો છે, અને સૂર્યદેવતા કોપાયમાન થયા છે, જેથી લોકો અકળાઈ ઉઠ્યા છે.
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 27.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35.0 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 10.0 થી 15.0 કિ.મી ની ઝડપે રહી હતી.