વડોદરામાં દીપક ઓપન થિયેટરના સ્થાને બનાવેલા અતિથિગૃહનો હવે ઉપયોગ શરૂ થશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બકરાવાડી વિસ્તારમાં દિપક એર થિયેટરની જગ્યાએ અતિથિ ગૃહ બનાવવામાં આવ્યું છે. કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ આ અતિથિ ગૃહનું ભાડું નક્કી કર્યું છે. જેમાં 30000 રૂપિયા ડિપોઝિટ અને 15000 રૂપિયા ભાડું મંજૂર કર્યું છે. દીપક ઓપન થિયેટર બનાવ્યા બાદ તે પડ્યું રહેતા અને તેનો કોઈ ઉપયોગ નહીં થતાં આ વિસ્તારમાં અતિથિ ગૃહ નહીં હોવાથી લોકોને પોતાના માંગલિક પ્રસંગો ઉજવવા માટે બીજા વિસ્તારમાં દોડવું પડતું હતું. જોકે ભાડા ઉપરાંત ગેસ ચાર્જીસ, લાઈટ ચાર્જીસ, લેટ ચાર્જીસ, જી.એસ.ટી. તથા અન્ય ચાર્જીસ પ્રવર્તમાન દરે અલગથી વસૂલ કરવામાં આવશે. અતિથિગૃહનું કુલ બાંધકામ 184 ચો.મી. નું છે. બહારનો લોન એરિયા 2973 ચો.મી. છે. અતિથિગૃહમાં ગેસના સગડા, નવું ગેસ કનેક્શન, પીવાના પાણીનું કુલર, આરઓ વગેરે જેવી જરૂરી ખરીદી કરવામાં આવનાર છે. મેન્ટેનન્સ માટે પાંચ લાખનું બજેટ ફાળવ્યું છે. હવે ટૂંક સમયમાં અતિથિગૃહનો ઉપયોગ શરૂ થઈ શકે તે માટે બુકિંગ શરૂ કરવામાં આવશે.
દરમિયાન વિસ્તારના વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા જણાવાયાં અનુસાર દિપક ઓપન થિયેટર બનાવવા પાલિકાએ સાડા પાંચ કરોડનો ખર્ચ કરેલો અને તેને પુન: ચાલુ કરવા લાખો રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો ત્યારે કોર્પોરેશનની વિચાર્યા વગર કરેલી કામગીરીનો વિરોધ કર્યો હતો, છતાં પણ પાલિકા દ્વારા લાખોનો ખર્ચ કરી દિપક ઓપન થિયેટર પુન: ચાલુ તજવીજ હાથ ધરી હતી. આ બધો ખર્ચ માથે પડયો હતો. સ્થાનિક રહીશોની માંગણીને ધ્યાનમાં લઇ અતિથિગૃહ બનાવવા રજુઆતો અનેક વખત કર્યા બાદ છેવટે અહીં અતિથિગૃહ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જે ઇજારદારને કામ સોંપ્યું હતું તેના દ્વારા ખુબજ વિલંબ કરવામાં આવ્યો હતો. આ અતિથિગૃહનું ભાડું ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેમ નથી. અતિથિગૃહની આસપાસમાં બકરાવાડી, ખારવાવાડ, ચુનારાવાસ, તંબોળી વાડના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે તેઓને પોષાય તે પ્રકારે ભાડા રાખવાની માગણી કરતા તેમણે કહ્યું હતું કે ડિપોઝિટ ભાડું બીજા ચાર્જ અને જીએસટી ગણતા આશરે 49,500 જેવું થાય છે જે ગરીબ લોકો માટે વધુ પડતું કહેવાય છે. સમગ્ર સભામાં આ કામ મંજૂરી માટે આવશે ત્યારે ભાડું ઘટાડવા માટે ફરી રજૂઆત કરવામાં આવશે.