AMCના નઘરોળ વહીવટનું ઉદાહરણ, વ્યાજસહિત ફક્ત 6 રૂ. ટેક્સ ચૂકવવા ફટકારી નોટિસ

ટેકસ વસૂલાતના નામે અધિકારીઓ અને કર્મચારીઓએ માનવતા કોરાણે મુકી

નારણપુરાના રહીશને છ રૂ. વ્યાજસહિત ત્રણ દિવસમાં ભરવા ટેકસ વિભાગના અધિકારીઓએ અંતિમ ચેતવણી નોટિસ ફટકારી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
AMCના નઘરોળ વહીવટનું ઉદાહરણ, વ્યાજસહિત ફક્ત 6 રૂ. ટેક્સ ચૂકવવા ફટકારી નોટિસ 1 - image


Ahmedabad Municipal Corporation : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગના નઘરોળ વહીવટનો નમૂનો સામે આવ્યો છે. નારણપુરા હાઉસીંગના મકાનમા રહેતા એક કરદાતા પાસેથી ટેકસ પેટે વસૂલવાના થતા છ રુપિયા વ્યાજ સાથે ત્રણ દિવસમાં ભરવા અંગે છેલ્લી ચેતવણીની નોટિસ ફટકારવામાં આવી છે. ટેકસ વસૂલાતના નામે અમદાવાદના તમામ ૪૮ વોર્ડ વિસ્તારમાં ટેકસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માનવતાને એક કોરાણે મુકી આડેધડ મિલકત સીલ કરી રહયા હોવાની પણ લોકોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે.

બાકી ટેકસ ભરપાઈ કરવા છેલ્લી ચેતવણીની નોટિસના સ્ટીકર લગાવવામા આવ્યા

નિર્ધારીત કરવામાં આવેલા લક્ષ્યાંક મુજબની આવક મેળવવા ઉપરાંત અગાઉના વર્ષોની મિલકતવેરા પેટે મ્યુનિ.તંત્રને લહેણી નીકળતી રકમ વસૂલવા ગત વર્ષના અંતથી ટેકસ વિભાગ તરફથી મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકત સીલ કરીને પણ કર વસૂલી કરવામા આવી રહી છે. શુક્રવારે પશ્ચિમ ઝોનમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટ, પ્રતિક્ષા એપાર્ટમેન્ટ સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની ૧૪૪૬ મિલકત સીલ કરી રુપિયા ૧.૧૭ કરોડની વસૂલાત કરાઈ હતી. વિવિધ વિસ્તારમાં આવેલી ૪૭૨૫ રહેણાંક મિલકતમાં બાકી ટેકસ ભરપાઈ કરવા છેલ્લી ચેતવણીની નોટિસના સ્ટીકર લગાવવામા આવ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનરને ખુશ કરવાની હોડમાં અધિકારીઓ અને કર્મચારીઓ હવે તમામ હદ વટાવી

ટેકસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના ઝોનની વધુ વસૂલાત બતાવી મ્યુનિસિપલ કમિશનરને ખુશ કરવાની હોડમાં હવે તમામ હદ વટાવી રહયા હોય એમ નારણપુરા હાઉસીંગના એક મકાનમા રહેતા કરદાતાને કરવેરા પેટે બાકી નીકળતા છ રુપિયા વ્યાજ સાથે ત્રણ દિવસમાં ભરપાઈ કરવા અંતિમ ચેતવણી નોટિસ આપતા શહેરીજનો હવે ટેકસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની આ પ્રકારની કામગીરી સામે ભય અનુભવી રહયા છે.


Google NewsGoogle News