વરસાદે વિરામ લેતા વાયુ પ્રદુષિત, રાજકોટમાં આંક 278એ પહોંચ્યો
રાજકોટમાં ભારે ભીડમાં જવું આરોગ્ય માટે જોખમી : ત્રિકોણબાગે સાંજે હવાની ગુણવત્તા નબળી : અન્ય ચોક ઉપર પ્રદુષણ આંક ઉંચો ગયો : ક્લાઈમેટની વાતો કરતી મનપાના અનેક સેન્સર બંધ
રાજકોટ, : રાજકોટમાં દિવાળીની ખરીદી કે અન્ય ઈમરજન્સી સિવાયના કામકાજ માટે ખાસ કરીને મોડી સવાર અને સાંજના સમયે બજારમાં નીકળવું આરોગ્ય માટે નુક્શાનકારક હોવાનું પ્રદુષણ આંક દર્શાવી રહ્યો છે. આજે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે સાંજના ૭થી ૮ દરમિયાન પ્રદુષણ આંક કે જે ૫૦થી નીચે હોય તો હવા સારી ગણાય તે આંક 278એ પહોંચી ગયો હતો.
ત્રિકોણબાગે નોંધાયેલ એર ક્વોલિટી ઈન્ડેક્સ ટેકનીકલી હવાની ગુણવત્તા અત્યંત નબળી (પુઅર) હોવાનો નિર્દેશ આપે છે. આ જ રીતે માધાપર ચોક, રામાપીર ચોક, મહિલા કોલેજ ચોક, જિલ્લા પંચાયત ચોક, રામાપીર ચોક, નાનામવા સર્કલ, સોરઠીયાવાડી સહિતના સર્કલોએ પણ પ્રદુષણની માત્રામાં વધારો થયો હતો. બીજી તરફ, પર્યાવરણ સુધારવાના નામ પર ઈકલી જેવી સંસ્થાઓના સેમીનારમાં ભાગ લેતા પદાધિકારીઓ કે અધિકારીઓ મનપાએ મુકેલા સેન્સરોને જાળવી શકતા નથી, આજે અર્ધાથી વધુ સેન્સરો બંધ પડી ગયા હતા. આવું વારંવાર થઈ રહ્યું છે. જાણે કે પ્રદુષણની માત્રા કેટલી તે જાણવામાં બંધ એરકન્ડીશન્ડ ઓફિસમાં બેસીને પર્યાવરણની વાતો કરતા સત્તાધીશોને રસ જ નથી.