આધાર હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
ગોરવા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસેની આધાર હોસ્પિટલમાં નર્સ પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી છે. આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસ દ્વારા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી સર્કલ પાસે આધાર હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા અશરફ ચાવડા દ્વારા 22 વર્ષીય યુવતી ને ત્રીજા માળે લઈ જઈને ઓપરેશન થિયેટરમાં બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. ઉપરાંત કોઈને આ વાતની જાણ કરીશ તો તારા ગેરકાયદે સંબંધ બાબતેની તારા માતા-પિતાને જાણકારી દઈશ તે ધમકી પણ આપી હતી. જેથી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા ભોગ બનનાર યુવતી અને આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્યું હતું. આજે પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા લવજેહાદના એંગલ પર પણ તપાસ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.