અમેરિકા ખાતે રહેતા કુટુંબી ભાઇની જમીન પચાવી પાડનાર આરોપી રિમાન્ડ બાદ જેલમાં ધકેલાયો
કુટુંબી ભાઇએ કરી આપેલા પાવર ઓફ એટર્નીના આધારે સમા પટેલ ફળિયામાં રહેતા આરોપીએ જમીન પત્નીના નામે કરી લીધી
વડોદરા : અમેરિકા સ્થાયી થયેલા વડોદરાના સમા વિસ્તારના ખેડૂતે પોતાની જમીનની પાવર ઓફ એટર્ની કુટુંબી ભાઇને કરી આપી હતી. આ પાવર ઓફ એટર્નીના આધારે કુટુંબી ભાઇએ જમીન પચાવી પાડીને પોતાની પત્નીના નામે કરી લેતા ખેડૂતે સમા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. આ કેસમાં પોલીસે ખેડૂતના કુટુંબી ભાઇની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતાં આજે આરોપીને જેલમાં ધકેલી દેવાયો છે.
હાલમાં અમેરિકા ખાતે રહેતા સમા ગામના ખેડૂત જગદીશભાઇ રણછોડભાઇ પટેલ (ઉ.૬૫)એ સમા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી કે તેમની સમા ગામમાં આવેલી જમીનના પાવર ઓફ એટર્ની ૨૮ વર્ષ પહેલા કાકાના દીકરા દિલીપ ઉર્ફે દિનેશ નટુભાઇ પટેલ (રહે. પટેલ ફળીયુ, સમા ગામ)ને કરી આપી હતી. દરમિયાન ગત જુન મહિનામાં જાણ થઇ કે મારી જમીન પાવર ઓફ એટર્નીના આધારે દિલીપે તેની પત્નીના નામે કરી લીધી છે. ઉપરાંત જમીન એન.એ. કરાવવા માટેની પ્રક્રિયામાં મારી બોગસ સહી કરેલી છે.
સમા પોલીસે જગદીશભાઇની ફરિયાદના આધારે મંગળવારે દિલીપની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ આજે પુરા થતાં પોલીસે દિલીપને કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ રિમાન્ડની માગણી નહી કરતા કોર્ટે દિલીપને જેલમાં મોકલવાનો હૂકમ કર્યો હતો. દરમિયાન આ કેસમાં દિલીપની પત્ની આરોપી બની શકે કે નહી તે અંગે પોલીસે કાનુની સલાહ માગી છે.