અમદાવાદથી વડોદરા અછોડો તોડવા આવેલો આરોપી ઝડપાયો
તરસાલીમાં શાકભાજી લેતી વૃદ્ધાના અને નવાપુરા વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી સોનાના અછોડો તોડનાર બે પૈકી એક આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે મોપેડ કબજ લઇ અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.
તરસાલી માધવ પાર્કમાં રહેતા ૬૦ વર્ષના રૃકમણીબેન મિશ્રીલાલ પટેલ ગઇકાલે સવારે પોણા નવ વાગ્યે ઘરેથી નીકળી ઘનશ્યામ પાર્ક સોસાયટીના નાક પાસે આવેલા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કર્યા પછી તેઓ મંદિર પાસે રોડ પર શાકભાજી લેવા માટે ઉભા રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા યુવકો મોપેડ લઇને તેઓની પાસે આવ્યા હતા.તેઓ વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પી.આઇ. વી.એસ. પટેલની સૂચના મુજબ, સ્ટાફ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૃ કરવામાં આવી હતી. પોલીસે મળેલી માહિતીના આધારે મકરપુરા ગામ શ્રી ક્રિષ્ણા ગેસ્ટ હાઉસ નજીકથી મોપેડ પર જતા આરોપી વિશાલ રમેશભાઇ વાઘેલા (રહે. ડુંગરપુરાની ચાલી, આશ્રય હોટલની સામે, અમદાવાદ) ને ઝડપી પાડયો હતો. વિશાલ વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું કે, હું અને મારો મિત્ર દિપક લાલાભાઇ પરમાર (રહે. કલોલ, ગાંધીનગર) મારા મોપેડની નંબર પ્લેટ પર પટ્ટી લગાવી વડોદરા આવ્યા હતા. નવાપુરા વિસ્તારમાં એક મહિલાના ગળામાંથી અછોડો તોડીને અમે તરસાલી વિસ્તારમાં ફરતા હતા. તે દરમિયાન એક વૃદ્ધા શાકભાજી ખરીદતા હોઇ તેમના ગળામાંથી સોનાનો અછોડો તોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ મારો મિત્ર દિપક સોનાની બંને ચેન લઇને વડોદરાથી નીકળી ગયો હતો. જ્યારે મારે કામ હોઇ હું વડોદરા રોકાઇ ગયો હતો.