મકરપુરા ગામમાં વિદેશી દારૃ વેચતો આરોપી ઝડપાયો
ડભોઇ રોડ પરથી બાઇક સવાર બે આરોપીઓ દારૃ સાથે પકડાયા
વડોદરા,મકરપુરા ગામમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરતા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે ડભોઇ રોડ પરથી બાઇક સવાર બે આરોપીઓેને દારૃ સાથે પોલીસે પકડયા છે.
મકરપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મકરપુરા ગામ ધુમાડીયા ફળિયામાં રહેતો જયદીપ ઉર્ફે પોપટ રાવજીભાઇ ઠાકોર મકરપુરા ગામ ચાર્મી સોસાયટીના એક મકાનમાં વિદેશી દારૃનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા જયદીપ ઠાકોર હાજર મળી આવ્યો હતો. તેના મકાનમાં તપાસ કરતા વિદેશી દારૃની ૧૧૬ બોટલ તથા બિયરના ૭૨ ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ૩૨,૭૮૦ રૃપિયાનો દારૃ કબજે કર્યો છે. આ દારૃનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતુ પાટણવાડિયા તથા રાહુલ નામનો વ્યક્તિ આપી જતો હોવાનું તેણે પોલીસને જણાવતા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, પાણીગેટ પોલીસે ડભોઇ રોડ પરથી બાઇક લઇને જતા બે વ્યક્તિઓને શંકાના આધારે ઉભા રાખી તપાસ કરતા તેઓ પાસેથી વિદેશી દારૃના ૪૮ બોટલ કિંમત રૃપિયા ૪,૮૦૦ ની મળી આવી હતી. જેથી, પોલીસે રવિ ચંદુભાઇ સોલંકી (રહે. સોલંકી ફળિયું, ગોરવા) તથા હિતેશકુમાર મહેન્દ્રસિંહ પરમાર (રહે. દેવ નગર, ગોત્રી)ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.