દારૃ ભરેલી રિક્ષાનું પાયલોટિંગ કરતો આરોપી ઝડપાયો
મધ્યપ્રદેશથી મંગાવેલો દારૃ રિક્ષામાં ભરી પંચવટી કેનાલ રોડ પર આપવા જતો હતો
વડોદરા,દારૃ ભરેલી રિક્ષાનું પાયલોટિંગ કરી ડિલીવરી માટે જતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે દારૃ મંગાવનાર તથા દારૃ મોકલનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
દાંડિયાબજાર જંબુબેટ વિસ્તારમાં રહેતો રમેશ કહારે મધ્યપ્રદેશથી વિદેશી દારૃ મંગાવ્યો છે. આ દારૃનો જથ્થો રિક્ષામાં ભરીને મોપેડ પર પાયલોટિંગ કરીને ગોરવા પંચવટી કેનાલ રોડ શ્રી હરિ ટેનામેન્ટમાં કિરણ ઉર્ફે કીરૃ પરમારને આપવા માટે તે જઇ રહ્યો હોવાની માહિતી પી.સી.બી. ને મળી હતી. પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ, સ્ટાફે પંચવટી તરફથી ઉંડેરા જવાના રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે વિદેશી દારૃ સાથે રમેશ રામલાલ કહાર ( રહે. ભોલેનાથ એપાર્ટમેન્ટ, જંબુબેટ, દાંડિયા બજાર ) તથા વિનાયક ઉર્ફે પકીયો કૃષ્ણભાઇ ચીકને (રહે. ઠાકોરજી એવન્યુ, પિતાંબર પોળ, ફતેપુરા) ને ઝડપી પાડયા હતા. જ્યારે મધ્યપ્રદેશના મુકેશ ગૌડ અને ગોરવાના કિરણ ઉર્ફે કીરૃને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દારૃની ૭૨ બોટલ કિંમત રૃપિયા ૫૮,૩૮૦ ની કબજે કરી છે. વાહનો, રોકડા રૃપિયા અને મોબાઇલ મળીને પોલીસે કુલ ૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.