વૈદ અમૃત પ્રજાપતિની હત્યામાં વોન્ટેડ આરોપી આખરે કર્ણાટકથી ઝડપાયો
આસારામ કેસમાં મુખ્ય સાક્ષી
કર્ણાટકના કલ બુરગી જિલ્લાના આસારામ આશ્રમમાં સેવક તરીકે
રહેતો હતો, આરોપીઓની
ધરપકડનો આંક ચાર પર પહોંચ્યો
રાજકોટ : આસારામ કેસના મુખ્ય સાક્ષી અમદાવાદના વૈદ અમૃત પ્રજાપતિની ૧૦ વર્ષ પહેલાં રાજકોટમાં થયેલી હત્યાના મુખ્ય આરોપી પૈકીના કિશોર બાલકૃષ્ણ બોડકે (ઉ.વ.૩૭, રહે. સંત આસારામ આશ્રમ-મોઢેરા, અમદાવાદ)ને રાજકોટ ક્રાઈમ બ્રાંચે કર્ણાટકના કલ બુરગી જીલ્લામાં આવેલા આસારામ આશ્રમમાંથી ઝડપી લીધો છે. તે સાથે જ વૈદ અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં આરોપીઓની ધરપકડનો આંક ૪ પર પહોંચ્યો છે. હજૂ પણ ૭ આરોપીઓ આ કેસમાં વોન્ટેડ છે. આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાંચ ચલાવી રહી છે.
ગઈ તા.ર૩ ને ર૦૧૪ના રોજ આસારામના પૂર્વ અનુયાયી અને આસારામ
આશ્રમમાં જ દસેક વર્ષ સુધી વૈદ તરીકે સેવા આપ્યા બાદ આસારામના કેસમાં જ સાક્ષી બની
ગયેલા અમૃત પ્રજાપતિ રાજકોટના સંત કબીર રોડ પર આવેલી શાંતિ આયુર્વેદિક હોસ્પિટલમાં
દર્દીઓની સારવાર માટે આવ્યા હતા ત્યારે ત્યાં દર્દીના સ્વાંગમાં આવેલા શખ્સે તેને
ગોળી મારી દીધી હતી.
ગંભીર રીતે ઘાયલ વૈદ અમૃત પ્રજાપતિને હોસ્પિટલમાં ખસેડાયા
હતા. જયાં ર૦ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ નિપજયું હતું. જે-તે વખતે તેણે આરોપી
તરીકે આસારામના અનુયાયીઓ સહિતનાઓના નામ આપ્યા હતા. આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ
મથકમાં ગુનો નોંધાયો હતો. પાછળથી આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાંચને
સોંપવામાં આવી હતી. જેના દ્વારા અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
છે.
બાકીના સાત આરોપીઓમાંથી મુખ્ય આરોપી કિશોર બોડકે કે જે મૂળ
મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લાનો વતની છે તે હાલ કર્ણાટકના કોઈ આસારામ આશ્રમમાં આશરો
લઈ રહ્યાની ચોકકસ માહિતી ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર. ગોંડલીયા અને એમ.એલ. ડામોરને
મળી હતી. જેના આધારે પીએસઆઈ એ.એન. પરમારની
આગેવાની હેઠળની ટીમ કર્ણાટક મોકલવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાંચની આ ટીમ દ્વારા તપાસ કરાતાં આરોપી કિશોર બોડકે હાલ કલ બુરગી જીલ્લાના આસારામ
આશ્રમમાં સેવક તરીકે રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી તેની ખરાઈ માટે ક્રાઈમ
બ્રાંચની આ ટીમ તે આશ્રમમાં સેવક તરીકે રહી ગઈ હતી. બે દિવસ દરમિયાન આશ્રમમાં રહી
કિશોર બોડકે ત્યાં જ હોવાની ખાત્રી કરી લીધા બાદ સ્થાનિક પોલીસની મદદથી નાટકિય ઢબે
તેને ઝડપી લીધો હતો.
ત્યાર પછી તેને રાજકોટ લઈ આવી હવે તપાસ કરતી સીઆઈડી ક્રાઈમ
બ્રાંચને સોંપવા માટે તજવીજ શરૃ કરાઈ છે. આરોપી કિશોર બોડકે વીરૃધ્ધ આ અગાઉ સુરતના
ઉમરા, અડાજણ
અને ખાટોદર પોલીસ મથકમાં ખુનની કોશિષ,
હુમલા સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે.