કોર્ટે આરોપીને 6 માસની સાદી કેદ, રૂા. 1.60 લાખ વળતર ચુકવા હુકમ કર્યો હતો
- ધ્રાંગધ્રા કોર્ટમાંથી નાસી છુટેલા આરોપી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રાની કોર્ટમાંથી નાસી છુટેલા આરોપી સામે કોર્ટે ધરપકડનો વોરંટ ઇસ્યુ કર્યો છે. ૨૦૨૩માં ચીફ જ્યુડીશ્યલ કોર્ટે આરોપીને ૬ માસની સાદી કેદ, રૂા.૧.૬૦ લાખ વળતર ચુકવા હુકમ કર્યો હતો.
ધ્રાંગધ્રાની ચીફ જ્યુડીશ્યલ કોર્ટ દ્વારા ગત તા.૨૩ જુન ૨૦૨૩ના રોજ ફરિયાદી સુરેશભાઈ જયંતીભાઈ શાહ (રહે.એંજાર તા.ધ્રાંગધ્રા)ની તરફેણમાં આરોપી દલસુખભાઈ કેશવલાલ કોચરંબા (ભુવાજી) (રહે.જોગાસર, ધ્રાંગધ્રા)ને દોષિત ઠેરવી ૬ માસની સાદી કેદ અને રૂા.૧.૬૦ લાખ વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. અને દંડની રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો.
કોર્ટના ચુકાદને લઇ આરોપી દલસુખભાઈ કોચરંબાએ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ સમક્ષ ફોજદારી અપીલ એડીશ્નલ સેશન્સ કોર્ટમાં કરી હતી. આ કેસ ચાલી જતા રજુઆત અને દલીલોને ધ્યાને લઈ આરોપી સામે નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. તેમજ આરોપી દલસુખભાઈ કેશવલાલ કોર્ટ સમક્ષ હાજર ન રહેતા અને કોર્ટ પરીસરમાંથી જ નાસી જતાં કોર્ટ દ્વારા સજા અંગેનું ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હતો અને આરોપીને ધ્રાંગધ્રા કોર્ટની સજાનો ભાગેડુ આરોપી જાહેર કર્યો છે.