આરોપી પાડોશીને પેટલાદ કોર્ટે દાખલારૂપ ત્રણ વર્ષની સજા ફટકારી
- પેંડા વહેંચવાની અદાવતમાં પાડોશી પર હુમલાનો કેસ
- આરોપી કમલેશ રાણાએ અસ્ત્રા વડે હુમલો કર્યો હતો ઇજા પામનાર ત્રણેય વ્યક્તિને કોર્ટે વળતર પણ અપાવ્યું
અમદાવાદ : પેટલાદમાં પૌત્રીના જન્મની ખુશીમાં પાડોશી દ્વારા પેંડા વહેંચવામાં આવતાં તે વાતને લઇ નારાજગી વ્યકત કરી પાડોશમાં રહેતા આરેપી દ્વારા પૈંડા વહેંચનાર પાડોશી અને તેના પુત્ર પર અસ્ત્રા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડનાર આરોપી પાડોશી કમલેશ બુધાભાઇ ે રાણાને પેટલાદના એડિશનલ સેશન્સ જજ ઝંખના વી.ત્રિવેદીએ એક દાખલારૂપ સજાના ચુકાદા મારફતે ત્રણ વર્ષની કેદની સજા અને રૂ. ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.
ચકચારભર્યા કેસની વિગત મુજબ, ગત તા.૧૫-૯-૨૦૨૧ના રોજ પેટલાદના નારીયાપાડા ફળિયાના ચોક ખાતે ફરિયાદી દિનેશકુમાર ચંપકલાલ શાહના સાહેદ હેમેન્દ્રભાઇ તેમની પૌત્રીના જન્મ પ્રસંગની ખુશીમાં ફળિયામાં પેંડા વહેંચ્યા હતા. આરોપી કમલેશ રાણાના ઘેર પણ પેંડા આપવામાં આવ્યા હતા.
જેની અદાવત રાખી આરોપી કમલેશ બુધાભાઇ રાણાએ ઉશ્કેરાઇને ફરિયાદીને મારા ઘેર પેંડા કેમ આપ્યા એમ કહી ઝઘડો કર્યો હતો.
એ વખતે ફરિયાદીનો પુત્ર માલવ ત્યાં આવી પહોંચતા આરોપીએ અસ્ત્રા વડે તેની પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઝઘડામાં વચ્ચે પડનાર નિકુંજ પારેખ અને હિરેન પારેખને પણ ઇજાઓ પહોંચાડી હતી. આ કેસમાં ફરિયાદપક્ષે અધિક સરકારી વકીલ એ.એસ.જાડેજા તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પાડોશી કમલેશ બુધાભાઇ રાણાને ત્રણ વર્ષની સજા ફટકારી હતી. વધુમાં, કોર્ટે દંડની રકમમાંથી રૂ.૧૫ હજાર માલવને તથા રૂ.પાંચ-પાંચ હજાર નિકંુજ અને હિરેનને ચૂકવી આપવા પણ ઠરાવ્યું હતું.