૬૯ લાખની છેતરપિંડીના કેસમાં સામેલ આરોપી ઝડપાયો
કંપનીના માલિકના નામે એકાઉન્ટન્ટ પાસે રૃપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા
વડોદરા,ઓનલાઇન ફ્રોડ કરીને ૬૯ લાખ પડાવી લેવાના કેસમાં સામેલ આરોપીને સાયબર પોલીસે ઝડપી પાડયો છે.
ગોરવા આઇ.ટી.આઇ. પાસે વડોદરા સ્કાઇઝમાં રહેતા સંજય ભટ્ટાચાર્યે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સમા નવરચના સ્કૂલ પાસે આવેલી અંકુર સાયન્ટિફિક એનર્જી ટેકનોલોજી પ્રા.લિ.માં સિનિયર મેનેજર એકાઉન્ટન્ટ્સ તરીકે નોકરી કરૃં છું. ગત તા.૧૭ - ૧૦ -૨૦૨૪ ના રોજ મારા મોબાઇલ ફોન પર એક મેસેજ આવ્યો હતો. તે નંબરના ડીપીમાં અમારા માલિક અંકુર જૈનનો ફોટો હતો. વોટ્સએપમાં અંકુર જૈન લખાઇને આવ્યું હતું. તે નંબર પરથી અંકુર જૈનના નામે મેસેજ કરીને મને જણાવવામાં આવ્યું કે, આ મારો નવો નંબર છે. હાલ સરકારી કર્મચારી સાથે મિટિગ ચાલી રહી છે. કંપનીના નવા પ્રોજેક્ટ માટે પૈસાની જરૃરિયાત રહેશે. મેં તેઓને કહ્યું કે, હું પૈસા ટ્રાન્સફર કરી આપીશ. પરંતુ, તેના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ મોકલાવો. હું હમણા મિટિંગમાં છું. પછી ડોક્યુમેન્ટ્સ આપી દઇશ. અત્યારે પ્રોજેક્ટ માટે એડવાન્સ પેટે ૬૯ લાખ ટ્રાન્સફર કરવા પડશે. તેમણે એક એકાઉન્ટ નંબર પણ મોકલ્યો હતો. મને વિશ્વાસ આવી જતા મેં ૬૯ લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. આરોપીએ અમારી કંપનીના માલિકના નામે ફ્રોડ કરી રૃપિયા પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે આરોપી દર્શિલ પરેશભાઇ શાહ (રહે. અમદાવાદ) ને ઝડપી પાડયો છે.