કલ્યાણપુર પંથકમાં થયેલી ઘરફોડ ચોરીનો આરોપી ઝાકસિયા ગામ નજીકથી ઝડપાયો
ચોરીના સોનાના દાગીના વેચવા જતો હતો ત્યારે રસ્તામાં દબોચી
લીધો
સોનાનો હાર, ચેઇન, બે વીંટી, બાઇક સહિત રૃા. ૧૩.૧૬ લાખનો મુદ્દામાલ કબજે
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત
મુજબ કલ્યાણપુર નજીક આવેલા વીરપર ગામે રહેતા એક આસામીના બંધ રહેલા રહેણાંક મકાનમાં
થોડા દિવસો પૂર્વે કોઈ અજાણ્યા તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી અને ઘરમાં
રાખવામાં આવેલા સોનાના ચેન,
વીંટી, ચાંદીના
સદરા, મંગલસૂત્ર, સહિતનો મુદ્દામાલ
ચોરી કરીને લઈ ગયાનો બનાવ નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા
પોલીસ સ્ટાફ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘરફોડ ચોરી પ્રકરણમાં કોઈ
જાણભેદુ હોવા અંગેની પણ પૂરી શક્યતા હોવાની દિશામાં પોલીસે તપાસ આદરી હતી.
આ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલવા માટે હાથ ધરવામાં આવેલી
કાર્યવાહીમાં ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ઝાકસીયા અને બેહ ગામ વચ્ચેના
ત્રણ રસ્તા વિસ્તારમાંથી મોટરસાયકલ પર પસાર થતા વીરપર ગામના મહેશ ઉર્ફે ચાકુ સુમાત
કાના લગારીયા નામના ૨૬ વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઈ, અને આગવી ઢબે
પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોક્ત ચોરીનો ગુનો કબૂલ્યો હતો. ઉપરોક્ત શખ્સ તેના
સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ચોરીના દાગીના વેંચવા માટે ખંભાળિયા અથવા જામનગર જાય તે
પહેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.
ઝડપાયેલા આ શખ્સ પાસેથી રૃપિયા અઢી લાખની કિંમતનું સોનાનું
મંગલસૂત્ર, રૃપિયા ૧,૭૮,૭૫૦ ની કિંમતનો
સોનાનો હાર, રૃપિયા ૧,૧૨,૪૭૯ ની કિંમતનો
સોનાનો ચેન, રૃ. ૬૯,૦૦૦ ની સોનાની બે
વીંટી, સોનાની
ઈયરિંગ, સોનાનો
રુદ્રાક્ષનો પારો, સોનાનો
દાણો, ચાંદીના
સદરા સહિતના દાગીના ઉપરાંત રૃપિયા ૧૦,૦૦૦ ની
કિંમતનો એક મોબાઇલ ફોન અને રૃપિયા ૫૦,૦૦૦ ની
કિંમતના મોટરસાયકલ સહિત કુલ રૃપિયા ૧૩,૧૬,૮૧૯ નો મુદ્દા
માલ કબજે કરી, તેની
વિધિવત રીતે અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.