પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગદ઼્ગુરૂ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો આજે 548મો પ્રાગટય ઉત્સવ ઉજવાશે
મોરબી, ચિત્તલ, વાંકાનેર, ખંભાળિયા, જસદણમાં વિવિધ કાર્યક્રમો : વિવિધ દર્શન, કિર્તન, આરતી, મનોરથ, યમુનાષ્ટક તથા સર્વોતમ સ્તોત્રના પાઠ, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં આયોજનોમાં વૈષ્ણવ સમાજ ઉમટશે
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં પુષ્ટિ માર્ગના પ્રવર્તક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 548મો પ્રાગટય મહોત્સવ તા. 24ના ભક્તિભાવપૂર્વક વૈષ્ણવ સમાજ દ્વારા ઉજવાશે. મોરબી, ચિત્તલ, ખંભાળિયા, વાંકાનેર, જસદણમાં હવેલીઓમાં વિવિધ દર્શન, કિર્તન આરતી, વિવિધ મનોરથ, યમુનાષ્ટકના પાઠ, સર્વોત્તમ સ્તોત્રના પાઠ, શોભાયાત્રા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.
મોરબીની શ્રી મહાપ્રભુજી બેઠક ખાતે તા. 24ના વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ નિમિતે સવારે 7 કલાકે જાગ્યાના દર્શન, 7.30 કલાકે મંગલાના દર્શન, 8 કલાકે શ્રૂંગાર દર્શન, બપોરે 1 કલાકે રાજભોગ દર્શન અને બપોરે 3 કલાકે નંદ મહોત્સવ તેમજ તિલક દર્શન યોજાશે. ઉપરાંત સવારે 7 થી બપોરે 1 કલાક સુધી અપરસમાં ઝારી ચરણસ્પર્શનો સમય રહેશે. અને બપોરે 3 થી સાંજે 7 કલાક સુધી પ્રાગટય દર્શન યોજાશે.
ચિત્તલ ખાતે મદનમોહનજી હવેલી ખાતે તા. 24નાં સવારે 9 કલાકે હવેલી ખાતેથી શોભાયાત્રા યોજાશે. તેમજ હવેલી ખાતે સવારે 7 કલાકે મંગળા આરતી તથા 11.30 કલાકે પલના નંદ મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. બપોરે 12.30 કલાકે મહાભોજન પ્રસાદ પણ રાખવામાં આવેલ છે.
વાંકાનેરમાં દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ શ્રી ગોવર્ધન નાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે તા. 24ના રોજ પ્રાગટય દિવસે સવારે 6 કલાકે હવેલી ખાતેથી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવેલ છે. સવારે 7.15 કલાકે હવેલી ખાતે ધ્વજવંદન થયા બાદ શ્રીજીના મંગલા દર્શન 7.45 કલાકે સમસ્ત વૈષ્ણવ પરિવારો માટે ખુલ્લા મુકાશે. ત્યારબાદ પલના તથા તિલક દર્શન સાંજે 4 થી 6 સર્વોત્તમના પાઠ યોજાશે.