વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 52માં બાળમેળાનો રંગેચંગે પ્રારંભ
Vadodara Children's Fair : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 52માં બાળમેળાનો આજથી ત્રણ દિવસ માટે કમાટીબાગ ખાતે પ્રારંભ થયો છે. આજે સવારે સંગીતની સુરાવલીઓ વચ્ચે આકાશમાં ત્રિરંગી ફુગ્ગા છોડીને બાળમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બાળમેળાને 'સયાજી કાર્નિવલ' નામ અપાયું છે. જે તારીખ 26 સુધી સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લો રહેશે.
શિક્ષણ સમિતિના આ બાળમેળાની શરૂઆત 1953 માં કરવામાં આવી હતી. બાળમેળાનું સમગ્ર સંચાલન બાળકો કરે છે. બાળકો દ્વારા યોજાતો આ પ્રકારનો બાળમેળો ભારતભરમાં સૌપ્રથમ છે. 18મી સદીના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણીની જ્યોત સતત સળગતી રહે તે હેતુ ચરિતાર્થ કરતો લેસર શો પણ આ બાળમેળામાં રજૂ કરાયો છે. દર વર્ષે આ બાળમેળાની પાંચથી સાત લાખ લોકો મુલાકાતે આવે છે.
બાળમેળામાં મનોરંજન વિભાગમાં કઠપૂતળીનો ખેલ, કાર્ટુન કેરેક્ટર્સ, મુન વોકર્સ, મોગલી વોક જેવા આનંદ પ્રમોદના વિભાગો મુકેલા છે. શિક્ષણ સમિતિ વડોદરાની 119 પ્રાથમિક શાળાઓ, 10 માધ્યમિક શાળાઓ તથા 97 બાલવાડીઓના ભૂલકાઓ દ્વારા રોજ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે. બાળમેળામાં અલગ અલગ થીમ ઉપર 33 શૈક્ષણિક પ્રોજેક્ટનું પ્રદર્શન આયોજન કરવામાં આવેલ છે.