Get The App

જામનગરમાં તા.21 એપ્રિલના રોજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો પદવીદાન સમારોહ યોજાશે

Updated: Apr 20th, 2025

GS TEAM


Google News
Google News
જામનગરમાં તા.21 એપ્રિલના રોજ  ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29 મો પદવીદાન સમારોહ યોજાશે 1 - image


વિશ્વની સૌપ્રથમ અને ગુજરાત સરકારની એકમાત્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આગામી તા. 21 એપ્રિલના રોજ  29 મો પદવીદાન સમારોહ યોજાશે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના  આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલ  ઉપરાંત જામનગરના સાંસદ સભ્ય પુનમબેન માડમ, જામનગરના કલેકટર, આયુષ ડાયરેકટર તથા આઇ.ટી.આર.એ.ના નિયામક પ્રો. તનુજા નેસરી સહીત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં પોતાની  ઉપસ્થિતી આપશે.

રાજમાતા શ્રી ગુલાબકુંવરબા ઓડીટોરીયમમાં યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ 1841  વિદ્યાર્થીઓને ઉપાઘી એનાયત કરવામાં આવશે. ઉપરાંત 2 (બે) વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને ડી. લીટની પદવી એનાયત થશે. વિદ્યાર્થીઓમાં ડીપ્લોમા, પી. જી. ડીપ્લોમાં, બેચરલ ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી કુલ-1841 વિદ્યાર્થીઓ હશે. વધુમાં બે વિશેષ વ્યકિતત્વને ડોક્ટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિથી નવાજાશે. આ બે મહાનુભાવો ડો. બુધેન્દ્રકુમાર જૈન તથા વૈદ્ય મનમોહન ભગવાનભાઇ પટેલ રહેશે. આ મહાનુભાવોને તેના સમાજ પ્રત્યેની નિ: સ્વાર્થ વિશિષ્ટ સેવા અને અનન્ય સિધ્ધીઓ બદલ આ પદવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી રહી છે. આ તબકકે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવશે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો આ 29 મો પદવીદાન સમારોહ તા.21 એપ્રીલના રોજ સવારે 11 કલાકે ગુજરાતના રાજયપાલના આગમન સાથે શુભારંભ થશે.  યુનિવર્સિટીના ગીતનું ગાન કરવામાં આવશે અને તમામ મંચસ્થ મહાનુભાવોને સ્મૃતિચિન્હથી નવાજવામાં આવશે. ત્યારબાદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશકુમાર જૈન  દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવશે.

આ બાદ વિવિધ તબકકામાં ડી.લીટથી માંડી અને ડીપ્લોમા કેટેગરીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. વધુમાં ઇનામો, મેડલ અને એવોર્ડ એનાયત થશે અને એમ.ઓ.યુ. કરવામાં આવશે.

આ પ્રક્રીયાઓ  આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પદવીદાન અંગે પ્રાસંગીક પ્રવચન આપવામાં આવશે. આ પછી યુનિવર્સિટીના કુલપતિની વિનંતીથી ગુજરાત રાજયના ગરિમા સ્વરૂપ રાજયપાલ દ્વારા પ્રમુખ પ્રવચન આપવામાં આવશે.

કાર્યક્રમના આગળના તબકકામાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર  એ. પી. ચાવડા દ્વારા આભાર દર્શન કરવામાં આવશે અને અંતમાં રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહુતી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા રાજયની વિવિધ યુનિવર્સિટી જેવી કે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ (એમ.પી.) સાથે આયુર્વેદ જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવી રહ્યાં છે. આમ થવાથી આયુર્વેદ અન્ય વિદ્યાશાખાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખોલશે.

Tags :