ચાંગામાં ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 10મો પદવીદાન સમારોહ યોજાયો
- ૩૦ વિદ્યાર્થીને ગોલ્ડ-પ્રમાણપત્ર અપાયાં
આણંદ, તા.9 જાન્યુઆરી 2021, શનિવાર
ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ), ચાંગા ખાતે દસમો પદવીદાન સમારોહ તા.૯ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ યુનિ.ના પ્રાંગણમાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડસ ટેકનોલોજીસના સ્થાપક અને એક્ઝી. ચેરમેન હરીશ મહેતાએ ઓનલાઈન દીક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે વિશ્વભરમાં ભારત એક ટેલેન્ટ નેશન તરીકે પ્રસ્થાપિત થઈ ચુક્યુ છે.
સમગ્ર વિશ્વમાં ભારત પોતાની ટેકનોલોજીના લીધે એક સક્ષમ રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે. જેમાં દેશના યુવા ટેકનોકેટસ, ઉદ્યોગ સહાસિકો અને સંશોધકોનો મહત્વનો ફાળો છે. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર ૩૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ચારુસેટના રજિસ્ટ્રારની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ચારુસેટના અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મેનેજમેન્ટના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, સુવર્ણચંદ્રક મેળવનાર તેજસ્વી તારલાઓ અને પીએચડી પદવીધારકો જોડાયા હતા. અધ્યક્ષસ્થાનેથી સુરેન્દ્રભાઈ પટેલે પદવીસમારોહને ખુલ્લો મુકતા પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સફળ કારકિર્દી ઘડવા માટે આહ્વાહન કર્યું હતું. ચારુસેટના પ્રોવોસ્ટ ર્ડા.પંકજ જોષીએ સૌને આવકારી વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે દાતાઓએ ચારુસેટને દાન પણ આપ્યું હતું. ચાલુ વર્ષે કોવિડ ગાઈડલાઈન્સને અનુસરતા પદવીદાન સમારોહ બે તબક્કામાં યોજાઈ રહ્યો છે. આજે પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહ અંતર્ગત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર અને પીએચડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જેમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રમી સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૩૦ ગોલ્ડ મેડલ સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. યુનિ.ની ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનના ૩૧૩, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ૧૯૭, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૧૨૮, ફેકલ્ટી ઓફ એપ્લાઈડ સાયન્સીસના ૨૮૫, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગની વિવિધ ૬ વિદ્યાશાખાઓના ૮૯૦ વિદ્યાર્થીઓને વ્યક્તિગત પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓમાં ૨૭ પીએચ.ડી. વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.