ગણતંત્ર દિને શાળાની રેલીને લઈ ઠાસરા પાલિકાનું સફાઈ ઝુંબેશ
- 2 દિવસ દબાણ હટાવવાનું કામ મોકૂફ
- 3 દિવસમાં દૂર કરેલા દબાણોના પથ્થરો, ઈંટો સહિતનો સામાન રસ્તા પરથી હટાવાયો
ઠાસરા નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પાલિકા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને પોલીસ કાફલાને સાથે રાખીને પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી ઓટલા, પગથિયા, મકાનો સહિત ૩૦૦થી વધુ કાચા-પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા.
રવિવારે ગણતંત્ર દિવસે નગરમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવતી હોય છે. જેથી દબાણો હટાવવા સમયે રસ્તા પર રહી ગયેલા ઈંટો, પથ્થરો, કાટમાળ સહિતના માલ-સામાન દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શનિવારે સવારથી પાલિકા દ્વારા નગરના હાર્દ સમાન સરકારી દવાખાનાથી ટાવર બજાર, મસ્જિદ, પરબડી, હોળી ચકલા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પડેલા પથ્થર, ઈટોં સહિતની સાફ-સફાઈ હાથ ધરાઈ હતી. તેમજ ગણતંત્ર દિવસની ઉજવણીના પગલે બે દિવસ માટે દબાણ હટાવ ઝુંબેશ મોકુફ રખાયું હતું.