Get The App

દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5251 મો જન્મોત્સવ ઉજવવા ભાવિકોમાં થનગનાટ

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણનો 5251 મો જન્મોત્સવ ઉજવવા ભાવિકોમાં થનગનાટ 1 - image


જગત મંદિર રોશનીના રંગબેરંગી શણગારથી ઝળહળી ઉઠયું : દ્વારકા ઉત્સવ-સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજનઃ યાત્રિકોની સુવિધા માટે જગત મંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર શરૂ

દ્વારકા, : યાત્રાધામ દ્વારકામાં આગામી તા. 26 ઓગષ્ટને સોમવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને ઉજવવા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના  જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.જગત મંદિર રોશનીના અનેરા શણગારથી ઝગમગી ઉઠયું છે. દ્વારકામાં ભાવિકોના ભારે ધસારાથી ધમધમી ઉઠયું છે.

જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે.રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. 26મીએ રાત્રે 8-00 કલાકથી પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ 2024 નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવશે. જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવિકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામમાં પધારે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ધસારાને પહોંચી વળવા જન્માષ્ટમી સ્પેશ્યલ ટ્રેઈનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.

યાત્રાઘામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદશનથી ઠેર ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે.જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરાયું છે.

જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને પણ યાત્રીકોની સુવિધા માટે રીપેરીંગ કામ હાથ ધરાયું છે. આ ઉપરાંત  દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ- રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો - લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત યાત્રીકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે. ભાવિકોના ધસારાને લીધે હોટલ - ગેસ્ટહાઉસમાં જામપેક જેવી સ્થિતિ છે.

દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સકટના નાગેશ્વર જ્યોતિલગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા. ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ. પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે.


Google NewsGoogle News