થાન પાલિકા અને લીંબડી, ધ્રાંગધ્રા પાલિકાની વોર્ડની પેટા ચૂંટણી જાહેર
- ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગૂ, વિકાસ કાર્યો પર બ્રેક
- લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે : તા. 16 ફેબુ્.એ મતદાન અને 18મી એ મતગણતરી થશે : ચૂંટણીને લઇ દાવેદારો ગોડફાધરોના શરણે
સુરેન્દ્રનગર : રાજ્યમાં મુદત પૂર્ણ કરતી નગરપાલિકાઓ, પંચાયતોમાં ચૂંટણી ક્યારે યોજાશે તેની ચાતક નજરે રાહ જોવાતી હતી. મંગળવારે સાંજે રાજ્ય ચૂંટણી આયોગના કમિશનરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એલાન કરી દીધું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકા, લીંબડી નગરપાલિકાના વોર્ડ નં.૧ તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી તેમજ લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠકની અને સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરી બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણીને લઇ દાવેદારો ગોડફાધરોનો આશરો લઇ રહ્યાં છે.
તા.૧૬ ફેબુ્રઆરીએ સવારે ૭-૦૦ થી ૬-૦૦ દરમિયાન ઈ.વી.એમ.થી મતદાન યોજાશે. તા.૧૮ ફેબુ્રઆરીએ પરિણામ જાહેર થશે. મંગળવારથી ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી બની છે. આગામી સોમવાર તા.ર૭ જાન્યુઆરીના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે માત્ર ૧૦ દિવસનો સમય મળ્યો છે. મંગળવારે મતદાર યાદી પ્રસિદ્ધ થયાના ગણતરીના કલાકોમાં ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન કરતાં રાજકીય પક્ષોના કાર્યકરોમાં દોડધામ જોવા મળી છે.
છેલ્લા કેટલાય સમયથી મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે દરેક જિલ્લાઓમાંથી રાજકીય દબાણ પણ થતું હતું અનેક નગરપાલિકા, પંચાયતોમાં વહીવટદારોના શાસનથી પ્રજા મોટાભાગે નાખુશ જણાતી હતી. ર૭ ટકા ઓ.બી.સી. અનામતનો પેચ ફસાયો હોવાથી છેલ્લા ર વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટલ્લે ચઢી હતી. આખરે તા.ર૧ જાન્યુઆરી-ર૦રપના રોજ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ર્ડા.એસ.મૂરલીક્રિશ્નન દ્વારા રાજ્યની ૬૬ નગરપાલિકાની સાથે સુરેન્દ્રનગરની ૩ નગરપાલિકાઓની ચૂંટણી યોજવાનું એલાન કર્યું છે અને આજથી જ આદર્શ આચારસંહિતા લાગુ પડયાનું જણાવ્યું હતું.
મોટાભાગના રાજકીય પક્ષના કાર્યકરોને એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાશે તેવું પૂર્વાનુમાન હતું પરંતુ તે ખોટું પડયું છે. જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું એલાન ન થતાં અનેક ગામડાઓમાં રાજકીય કાર્યકરોમાં નિરાશા પણ જોવા મળી હતી. જિલ્લામાં ઠંડીની સીઝનમાં નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું એલાન થતાં સમી સાંજ બાદ જ્યાં ચૂંટણી યોજાવવાની છે તેવા વિસ્તારોમાં રાજકીય ગરમાવો શરુ થઈ ગયો છે. પ્રજાએ પણ ચૂંટણીના એલાનને વધાવી લીધું છે.
ચૂંટણી અંગેનો કાર્યક્રમ
તા.ર૧ જાન્યુઆરી-ર૦રપ - આદર્શ આચારસંહિતા લાગુ
તા.ર૭ જાન્યુઆરી-ર૦રપ - ચૂંટણી અંગેનું જાહેરનામું
તા.૦૧ ફેબુ્રઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર રજૂ કરવાની અંતિમ તારીખ
તા.૦૩ ફેબુ્રઆરી-ર૦રપ - ઉમેદવારીપત્ર ચકાસણી
તા.૦૪ ફેબુ્રઆરી-ર૦રપ - ઉમેદવારી પરત ખેંચવાની તારીખ
તા.૧૬ ફેબુ્રઆરી-ર૦રપ - સવારે ૭-૦૦થી ૬-૦૦ મતદાન
તા.૧૭ ફેબુ્રઆરી-ર૦રપ - જરૂર પડે પુનઃ મતદાન
તા.૧૮ ફેબુ્રઆરી-ર૦રપ - સવારે ૯-૦૦ કલાકથી નિર્ધારીત સ્થળે મત ગણતરી