રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોહી ચડાવ્યા બાદ થેલેસેમિયાગ્રસ્ત કિશોરીનું મોત
થેલેસેમિયા રક્તકણોની ખામીથી થતો જીવલેણ રોગ છે
મારી દીકરીને RCC બ્લડ ચડાવ્યું છે એના કારણે તેનું નિધન થયું છે : દર્દીના માતા
રાજકોટ, તા. 20 ડીસેમ્બર 2022, મંગળવાર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિક દર્દીને ફિલ્ટર કર્યા વગરનું રક્ત ચડાવતાં રિએક્શન આવ્યું હતું ત્યાર બાદ થેલિસિમિયાગ્રસ્ત કિશોરીનું મોત થતાં ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી મુજબ થેલેસેમિક દર્દીને ફિલ્ટર કરેલા LR રક્તને બદલે RCC એટલે કે ફિલ્ટર કર્યા વગરનું રક્ત ચડાવાય છે જેથી દર્દીઓમાં રિએક્શનનું પ્રમાણ ખુબ વધી રહ્યા છે. આજે સોમવારની સવારે રાજકોટમાં થેલિસિમિયાગ્રસ્ત કિશોરીનું મોત નીપજ્યું હતું. કિશોરીના મોત પાછળ રિએક્શન જવાબદાર છે કે પછી બીજા કોઇ કારણો છે તેની તપાસ ચાલી રહી છે. પરંતુ અહીં કિશોરીની માતાએ મીડીયાને જણાવતાં કહ્યુ કે અશુદ્ધ લોહીના કારણે જ નિધન થયાનો આક્ષેપ કર્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત કિશોરાના મોત બાદ યુવતીના મોતની તપાસ અંગે સમિતિ બનાવવામાં આવી છે. જેમા અત્યારે 5 સભ્યોની તપાસ સમિતિ બનાવવામા આવી છે. આ તપાસ સમિતિમાં થેલેસેમિયાની કામગીરી સાથે જોડાયેલા એકસ્પર્ટ સામેલ છે. આ 5 સભ્યોની તપાસ સમિતિ યુવતીનું મોત ક્યા કારણોસર થયું તે દિશામાં તપાસ કરશે.
કોઈના પણ ઘરમાં થેલિસિમિયાગ્રસ્ત બાળક હોય તેના પરિવારની હાલત શું થતી હશે તેની કલ્પના કરવી પણ બહુ અઘરી છે. જેમના પરિવારમાં થેલિસિમિયાનો દર્દી હોય તે બાળકો અને તેનો પરિવાર ખૂબ જ પીડાય છે. સરકારી હોસ્પિટલ અને બ્લડ બેંક બંને સ્થળે થેલિસિમિયા માટે મફતમાં લોહી અપવામાં આવે છે પણ સિવિલમાં જઈને બ્લડ ટ્રાન્સફ્યૂઝન કરવામાં આવે તો તેમાં રિએક્શનની શક્યતા મોટા પ્રમાણમાં વધી જાય છે જેના કારણે ખાનગીમાં બ્લડ ટ્રાન્સફ્યૂઝન માટે ઘમા વાલીઓ જાય છે પણ ત્યાં હંમેશા અછત જ હોય છે. જ્યારે અહીં સિવિલમાં રિએક્શન આવવા પાછળ કારણ એ છે કે ત્યાં RCC લોહી ચડાવાય છે જ્યારે થેલિસિમિયાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાનું ફિલ્ટર યુક્ત LR બ્લડ આપવાનું હોય છે.
મારી દીકરીને RCC બ્લડ ચડાવ્યું છે એના કારણે તેનું નિધન થયું છે : દર્દીના માતા
આ મુદ્દે મૃતક દર્દીના માતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, સોમવારે મારી બેબીને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં RCCબ્લડ ચડ્યા બાદ તેમની હાલત ગંભીર થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે સિવિલની બ્લડ બેન્ક ક્યારે પણ નિયમિત બ્લડ આપતી નથી અમને જેટલી પણ વખત બ્લડ આપ્યું છે તેની સામે કોઈને કોઈનું બ્લડ જમા કરાવીને આપ્યું હશે. ઘણીવાર એક સપ્તાહ સુધી તો માત્ર એ વાતમાં જ સમય વેડફાઈ જાય છે કે ક્યારે મારી દીકરીને રક્ત મળશે અને અમે લોકો રક્ત માંગી માંગીને થાકી જઈએ ત્યારે સિવિલ તંત્ર અમને રક્ત આપવા માટે તૈયાર થાય છે. ખાસ તો જે દર્દીઓને થેલેસેમિયા હોય તેમને ચોખ્ખું અને શુદ્ધ લોહી જોઈએ જ્યારે મારી દીકરીને ચોખ્ખું લોહી નથી ચઢાવ્યું, RCCબ્લડ ચડાવ્યું છે એના કારણે જ તેનું નિધન થયું છે.
તેમણે વધુ જણાવતાં કહ્યુ કે, તેને રક્ત ચડતું હતું એ વખતે જોયું હતું કે બ્લડની જે કોથળી હોય તેની અંદર લોહીના ગઠ્ઠા જામી ગયેલા હતા. આવું રક્ત કઇ રીતે કોઈને કેમ ચડાવી શકાય. જ્યારે આ રક્ત મારી દીકરીના શરીરમાં ગયું છે ત્યારે તેને રિએક્શન આવ્યું છે તેના પગમાં ચાંભા પડી ગયા હતા. અમે રક્ત માંગી માંગીને થાકી ગયા અને જ્યારે રક્ત આપ્યું, અને તે પણ સાવ આ પ્રકારનું અશુદ્ધ લોહી એમને આપ્યું. મારી સરકારને એટલી જ વિનંતી છે કે થેલેસેમિક દર્દીઓને જે સાધનોની જરૂર પડે છે એ સાધનો પૂરા પાડો મશીનરી પૂરી પાડો નહીંતર આ રીતે જ અમારી જેમ લોકો દુઃખ ભોગવશે.
બાળકીનું મોત રિએક્શનના કારણે થયું નથી: તબીબી અધિક્ષક
આ અંગે મુદ્દે તબીબી અધિક્ષકે મીડિયાને માહિતી આપતા કહ્યું કે, "મોત પાછળ રિએક્શન જવાબદાર ન હોઇ શકે તેના બીજા કારણો હશે જેની તપાસ કરવામાં આવશે." LR બ્લડ ક્યારથી અપાશે તે પ્રશ્ન પૂછાતા તેઓએ કહ્યું હતું કે, "તેના માટે ખાસ મશીનની જરૂર પડે અને તે ખર્ચ મોટો હોવાથી સરકારમાં મંજૂરી માગી છે. મશીનરીના ન હોવાના કારણે આ ઘટના બની નથી. કિશોરીનું મૃત્યુ રિએક્શનના કારણે થયું નથી. તેમ છતાં તપાસ સમિતિ યોગ્ય તપાસ કરશે."
થેલેસેમિયા રક્તકણોની ખામીથી થતો જીવલેણ રોગ છે
થેલેસેમિયા એ એક વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે. લોહીમાં રક્તકણ તૂટેલા હોય તો એ થેલેસેમિયા મુખ્ય લક્ષણો છે અને જો રક્તકણ પ્રમાણમાં નાના હોય તો એ થેલેસેમિયા માઇનર છે. અને આ થેલેસેમિયા જન્મથી જ હોય છે તેમજ જીવનપર્યત રહે છે. થેલેસેમિયા કોઈ નાનો રોગ નથી, પરંતુ થેલેસેમિયા મેજર જીવલેણ રોગ છે. પતિ-પત્નિ બન્ને થેલેસેમિયા માઇનર હોય તો તેમનું સંતાન થેલેસેમિયા મેજર થવાની શક્યતા છે. જ્યાં સુધી લોહીની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ અંગે જાણી શકાતું નથી.