ઠાકરશી રબારી મોટી બગાવતના મૂડમાં: કટાક્ષ કરતાં કહ્યું; 'બનાસની બેન ગુલાબની બેન'
Vav Assembly constituency By Election: આગામી 13 નવેમ્બરે ગુજરાતની માત્ર એક સીટ પર ચૂંટણી યોજાવવાની છે. પરંતુ આખા ગુજરાતનું રાજકારણ ગરમ થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. પરંતુ હજુ સુધી બંનેમાંથી એકપણ પક્ષે સત્તાવાર રીતે મૂરતિયાના નામની જાહેરાત કરી નથી. હાલ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ ટોચ પર છે. ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન સાથેની નિકળતા ફળી છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતની નામ ફાઇનલ જ છે, બસ હવે માત્ર સત્તાવાર રીતે નામની જાહેરાત કરવાની બાકી છે. ત્યારે કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. સત્તાવાર રીતે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થાય તે પહેલાં જ ઠાકરશી રબારીએ પક્ષ પર કટાક્ષ કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં વાવ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં ઠાકરશી રબારીએ સાંસદ ગેનીબેન ઠાકોર પર જાહેરમાં કટાક્ષ કર્યો હતો. ઠાકરશી રબારી જાહેર સ્ટેજ પરથી ગેનીબેનને કહ્યું કટાક્ષ કરતાં કહ્યું હતું કે બનાસના બેન ગુલાબના બેન છે. આગળ તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે કે રબારી સમાજને કોઇપણ પક્ષ કમજોર ન સમજે અને આ સમાજને કોઇની જરૂર ન પડે. ભગવાન મને અને મારા સમાજને શક્તિ આપે. ઠાકરશી રબારીના આ નિવેદન બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ક્યાંક ને ક્યાંક ઠાકરશી સહિત રબારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હોય એવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: કોંગ્રેસ વાવ બેઠક પર છેલ્લા દિવસે ઉમેદવારના નામની ઘોષણા કરશે, પહેલે આપ,પહેલે આપ જેવી સ્થિતિ
અત્રે ઉલ્લેખનીય છે કે વાવ બેઠક કોંગ્રેસ માટે યથાવત જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બન્યો છે. અત્યાર સુધી વાવ બેઠક પર ત્રણ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે (25 ઓક્ટોબર) ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 13મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી થશે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરશે ગઠબંધન
તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે. આમ આદમી પાર્ટી પેટાચૂંટણીમાં વાવ બેઠક પરથી પોતાના ઉમેદવારને મેદાને ઉતારશે નહી. આ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ફાઇટ જોવા મળશે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપશે.
વાવ બેઠક પર કોનું પ્રભુત્વ?
જો વાવ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ઠાકોર સમાજનું પ્રભુત્વ અને જાતિવાદી ગણિત કામ કરી જાય છે. આ પેટાચૂંટણીમાં પણ આ જાતિવાદી ગણિતનું રાજકારણ થાય તેવી સંભાવના છે. જોકે બીજી તરફ, ભાજપ દ્વારા પણ આ કોંગ્રેસને હરાવી વાવ બેઠક કબજે કરવા માટે બને તેટલું જોર લગાવવામાં આવશે તે નક્કી છે.
આ પણ વાંચો: વાવ બેઠક પર જામશે રસાકસીભર્યો જંગ, ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી
લોકસભાની ચૂંટણીમાં કોંગેસ-આમ આદમી પાર્ટીએ કર્યું હતું ગઠબંધન
લોકસભા ચૂંટણી 2024માં રાજ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હતું. જેમાં 26માંથી બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી લડી હતી, જ્યારે બાકીની તમામ 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે સુરત બેઠક બિનહરીફ થતા કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર વાવના ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી, જે બનાસકાંઠા બેઠક છે. ત્યારે હવે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી વિધાનસભા બેઠક પર ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે અને 23 નવેમ્બરે મતગણતરી યોજાશે. જ્યારે ઉમેદવારી નોંધાવવાની તારીખ 18 ઓક્ટોબર, ઉમેદવારી માટેની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર, ઉમેદવારી ચકાસણીની તારીખ 28 ઓક્ટોબર છે. જ્યારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. ચૂંટણી વિભાગની જાહેરાત બાદ હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
વાવ બેઠક માટે 13 થી 20 નવેમ્બર સુધી અનુમાનો પર પ્રતિબંધ મૂકાયો
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર સામે આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
એક્ઝિટ પોલ-ઓપિનિયન પોલ પર પ્રતિબંધ
જેના અનુસંધાને રાજ્યમાં 13મી નવેમ્બરથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જોગવાઈઓનો ભંગ કરનારને બે વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.