ગાંધીનગરમાં TET-TATના ઉમેદવારોનું ઉગ્ર આંદોલન, ટિંગાટોળી કરી અનેકની અટકાયત
TET-TAT candidates Protests In Gandhinagar: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉમેદવારો હવે લડી લેવાના મૂડમાં છે. ત્યારે આજે (18મી જૂન) TET-TATના પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલા પથિકાશ્રમ પાસે એકઠા થયા હતા અને આંદોલન શરૂઆત કરી હતી. જેને પગલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયતનો દૌર શરૂ કર્યો હતો.
આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો
ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો લાબા સમયથી કાયમી ભરતીની રાહ જોઈ રહ્યા છે. પરતું રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ટેટ-ટાટ પાસ થયેલા હજારો ઉમેદવારો સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. જો કે, જિગ્નેશ મેવાણી સહિત આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ એક્શન મોડમાં આવી જતા આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો હતો.
TET-TAT પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો: જિગ્નેશ મેવાણી
ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવ્યા છે. આ મામલે તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખાલી પડેલા હોદ્દા પર તો ભરતી કરતી નથી. ટેટ-ટાટના ઉમેદવારો લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે. 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે 90 હજાર ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને કાયમી નોકરી આપો. ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. પરંતુ સરકાર તેની સાથે ચર્ચા કરવા માગતી નથી. જો સરકાર આ અંગે તાત્કાલિક નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં અમદાવાદમાં એક રેલીનું આયોજન કરી વિરોધ કરીશું.
જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યાસંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.