ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવી રહ્યા નથી, ભારતમાં ટેસ્લાની એન્ટ્રી અંગે અટકળો શરૂ
કોઈ પણ કંપનીએ ક્યાં રોકાણ કરવું તે નક્કી કરવાનો વિશેષાધિકાર છે: રાહુલ ગુપ્તા
Vibrant Gujarat Global Summit: ઈલોન મસ્ક ભારતમાં રોકાણ કરવા માગે છે પરંતુ હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવી રહ્યા નથી. ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે,'ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્ક વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવવાના નથી. કોઈ પણ કંપનીએ ક્યાં રોકાણ કરવું તે નક્કી કરવાનો વિશેષાધિકાર છે. ગુજરાત સરકાર તેમને સુવિધાઓ આપવા માટે તૈયાર છે.'
મોટાભાગના રોકાણકારો ગુજરાતને પસંદ કરી રહ્યા છે: રાહુલ ગુપ્તા
અગાઉ એવા અહેવાલ હતા કે ઈલોન મસ્કના ગુજરાતમાં ટેસ્લા કાર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપશે. રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત હજુ પણ ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્ર માટે સારો વિકલ્પ સાબિત થવાનું છે. આ જ કારણ છે કે મોટાભાગના રોકાણકારો ગુજરાતને પસંદ કરી રહ્યા છે.’
નોંધનીય છે કે, વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે જૂન 2023ના મધ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ઈલોન મસ્કની કંપનીએ ગુજરાતમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી ટેસ્લાના ભારતમાં પ્રવેશને લઈને ઘણાં અહેવાલો વહેતા થયા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઈલોન મસ્ક ભારતમાં EV ફેક્ટરી સ્થાપવા માટે ભારતમાં 2 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. તેની મદદથી, ભારતીયો પણ ખૂબ સસ્તી કિંમતે ટેસ્લા કાર મેળવી શકશે કારણ કે તેઓ પ્રથમ બે વર્ષમાં કાર પર 15 થી 20% આયાત કર બચાવી શકશે.