પીપલગ ગામમાં 2 ભાઈઓની ટોળકીનો આતંક : હથિયારોથી 2 મિત્રોના માથા ફોડયા
- ધરપકડથી બચવા કુખ્યાત ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ
- 2 સગા ભાઈઓ સહિત 12 થી 13 શખ્સોએ યુવકની સોનાની વીંટી અને ચેન લૂંટી લીધા : ટોળા સામે રાયોટિંગ અને લૂંટનો ગુનો
નડિયાદમાં રહેતા પ્રકાશ ચૌહાણ અને તેમના મિત્ર નરેશ સોઢા પીપલગથી પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે સવા છ વાગ્યા આસપાસ પીપલગ ચોકડી નજીક તેમના મિત્ર વિકાસભાઈ સુરજીતસિંહ યાદવ ઉભા હતા. જેથી બંને ત્યાં ખબર-અંતર પૂછવા ઉભા રહ્યા હતા.
દરમિયાન અચાનક ૬થી ૭ કાર કારમાં ૧૨-૧૩ શખ્સો આવ્યા હતા અને લાકડી, લોખંડની પાઈપ, ધારિયા, ચપ્પા સહિતના ઘાતક હથિયારોથી વિકાસ ઉપર હુમલો કરી દીધો હતો. વિકાસે આ શખ્સોને અપશબ્દો બોલવાની ના પાડતા સિદ્ધાર્થ રબારી, પ્રેમલ ઉર્ફે શિવા રબારી (બંને રહે. મિલ રોડ) સહિતનું ટોળું ઉશ્કેરાયું હતું.
શિવાએ લાકડી મારતા વિકાસના માથામાં વાગી હતા. દરમિયાન ટોળાએ હુમલો કર્યો હતો. પ્રકાશ અને નરેશ વિકાસને છોડાવવા વચ્ચે પડતા ટોળાએ તેમને પણ માર માર્યો હતો. ત્યારે નરેશને પણ માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાના કારણે વિકાસ અને નરેશ ઘટનાસ્થળે જ ઢળી પડયા હતા. જેથી તમામ શખ્સો તમને ફરી જોઈ લઈશું કહી, અપશબ્દો બોલી હથિયારો સાથે કારમાં નાસી છુટયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિકાસ અને નરેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માથાકૂટની સાથે સાથે ટોળાએ વિકાસની સોનાની વીંટી અને દોરાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ હતી.
સમગ્ર મામલે મારક હથિયારો સાથે યુવકો ઉપર કેટલાક શખ્સો હુમલો કરતા હોવાનો વીડિયો પણ વાઈરલ થયો છે. ત્યારે નડિયાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપો ઉઠયા છે.
વિકાસ ઉપર હુમલો કરી લૂંટ ચલાવનારો પ્રેમલ ઉર્ફે શિવો રબારી સિઝલર તરીકે આતંક મચાવતો હોવાના આક્ષેપ ઉઠયા છે. સામાન્ય પરિવારના યુવકો હપ્તેથી વાહનોની ખરીદી કર્યા બાદ નાણાં ભરપાઈ ન કરી શકે, ત્યારે ફાઈનાન્સ કંપનીઓ તરફથી શિવો રબારી યુવકોને પ્રતાડિત કરી ગેેરકાયદે રીત-રસમો અપનાવી લોકોને હેરાન કરતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નાણાકીય લેવડ-દેવડ મામલે હુમલો થયાની આશંકા
વિકાસ અને બંને ભાઈઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નાણાકીય લેવડ-દેવડ મુદ્દે માથાકુટ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. મારામારી પૂર્વે વિકાસ તથા સામાપક્ષે સિદ્ધાર્થ અને તેનો ભાઈ શિવા સહિતના તમામ મિત્રવર્તુળમાં સોશિયલ મીડિયા મારફતે વીડિયો મૂકી એકબીજાને ટાર્ગેટ કરતા હતા. બાદમાં મામલો વણસતા આ હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હુમલા બાદ રબારી બંધુ સહિતના સાગરિતો ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.