Get The App

વડોદરામાં સિંચાઈ વિભાગ પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
વડોદરામાં સિંચાઈ વિભાગ પ્રમાણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી 1 - image


Vishwamitri River Project : વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં ચાલુ વર્ષે આવેલા અતિ ભયંકર પૂર બાદ હવે બીજીવાર આ પ્રકારનું પૂર ન આવે તે માટે વડોદરા કોર્પોરેશનથી લઈ રાજ્ય સરકાર સક્રિય બની છે. ત્યારે અગાઉ જે મશીનરી બેઝ કામ થવાનું હતું તેના બદલે હવે ઘન મીટર પ્રમાણે કામગીરી કરવા માટે કોર્પોરેશને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં રૂપિયા 61 કરોડના કામ માટે મંગાવેલી ઓફરમાં નદીને કુલ ચાર ભાગમાં વહેંચીને કામગીરી કરવામાં આવશે. 

વિશ્વામિત્રી નદીમાં ચાલુ વર્ષે આવેલ ભારે પૂરના કારણે લાખો શહેરીજનોએ પોતાની મિલકતમાં ખૂબ નુકસાન વેઠવું હતું. ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી છે અને લોકોની નારાજગીનો ભોગ ન બનવું પડે તેના લીધે પાલિકાનું તંત્ર હવે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા અને તેને આનુસંગિક અસરકારક કામગીરીમાં લાગી ગયું છે. આ માટે અગાઉ મશીનરી બેઝ કામગીરી કરવા રૂ.58.80 કરોડનું ટેન્ડર બહાર પડ્યું હતું. પરંતુ તેમાં મશીનરી મોંઘી પડી રહે તેવી સ્થિતિના પગલે કોર્પોરેશને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં હવે મશીનરીના બદલે ઘન મીટર પ્રમાણે કામગીરી કરવાનું આયોજન હાથ ધરાશે. સમગ્ર કામ કરવા માટે વિશ્વામિત્રી નદીને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવશે. જેમાં પ્રથમ ભાગ મારેઠા સ્મશાનથી મોટનાથ મહાદેવ સુધી, બીજો ભાગ મોટાનાથ મહાદેવથી મુજમહુડા વિદ્યાકુંજ શાળા સુધી, ત્રીજો ભાગ વિદ્યકુંજ શાળાથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી અને ચોથો ભાગ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા બ્રિજ સુધી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાની કામગીરી કરવામાં આવશે. જ્યારે દેણા બ્રિજથી ઉપરવાસના ભાગે ખાસ કોઈ કામ કરવાનું નથી. પરંતુ દક્ષિણમાં મારેઠાથી પીંગલવાડા સુધી નદીની સાફ-સફાઈ તથા ઊંડાણ કરવાની સમગ્ર કામગીરી સિંચાઈ વિભાગને સોંપવામાં આવશે. નવીન ટેન્ડર પ્રક્રિયા મુજબ હવે મશીનરી બેઝના બદલે ઘન મીટર પ્રમાણે કામગીરી કરાશે. જેમાં વડોદરા કોર્પોરેશન વિશ્વામિત્રી નદીમા ચાર ભાગમાં જ્યારે સિંચાઈ (ઇરિગેશન) વિભાગ છ ભાગમાં વિશ્વામિત્રી નદીને વહેંચી તે અંતર્ગત કામગીરી કરશે. કોર્પોરેશને આ માટે રૂપિયા 61 કરોડનું નવેસરથી ટેન્ડર વેબસાઈટ પર પ્રસિદ્ધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રથમ વખત આવેલ ટેન્ડર રૂ.58.80 કરોડનો હતું ત્યારે હવે નવા ટેન્ડરમાં અંદાજે બે કરોડથી વધુનો ખર્ચ વધી જતા હાલના ટેન્ડરની રકમ રૂપિયા 61 કરોડ કરવામાં આવી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, જો પ્રથમ વખત આવેલ ટેન્ડરના અનુસંધાને વિવાદ થતા બીજી વખતનું ટેન્ડર રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે બીજી વખતના ટેન્ડરમાં વિવાદ ન થાય તે પણ એટલું જ મહત્વનું છે. અન્યથા વારંવાર વિવાદના કારણે ટેન્ડર પ્રક્રિયામાં જ સમયનો ફેરફાર થયા કરશે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થશે.


Google NewsGoogle News