વડોદરામાં ભૂખી કાંસનું ટેન્ડર આવી ગયું છે, ટૂંકમાં કામ શરૂ થશે : હાઈવેને સમાંતર રૂપારેલ કાંસ બનાવાશે
Vadoadra Corporation : વડોદરા પાલિકાની બજેટ સભામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, વડોદરામાં ફરી પૂર ન આવે તેના નક્કર આયોજનના ભાગરૂપે વિશ્વામિત્રી નદી, અન્ય સરોવરની સાથે શહેરમાંથી પસાર થતાં વિવિધ કાંસની સાફ-સફાઈ અને ઊંડા કરવા તેટલા જ મહત્વના છે. કાંસ અંગે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. સાથોસાથ તેને આનુસંગિક કેટલીક કામગીરી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે નેશનલ હાઇવે જોડે બેઠક કરી કેટલાક પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યા છે.
શહેર તરફ આવતા કાંસને સાફ કરવા સાથે એને ઊંડા અને પહોળા કરવાનું આયોજન છે. આ સાથે મલ્ટીપલ ચેઇન બનાવવામાં આવશે. જેના દ્વારા કાંસમાંથી પાણી બહાર કાઢવાનું આયોજન છે. કાંસની અંદરની ચેનલ બ્રેક કરીને બનાવીશું. એટલે કાંસમાં ભરાયેલો કચરો બહાર નીકળી જાય અને ભવિષ્યમાં પણ તે સાફ-સફાઈ માટે કામ લાગી શકે. ભૂખી કાસનું ટેન્ડર આવી ગયું છે જેથી તેનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. શહેરમાં જે વરસાદી પાણી આવે છે તે સોખડા થઈને આવતું હોવાથી કેવી રીતે આ પાણીને ડાયવર્ટ કરી શકાય? અને ઓછામાં ઓછું પાણી વડોદરા શહેરમાં આવે તેના આયોજન હાલ વિચારણા હેઠળ છે. કાંસના જે ભૂંગળા છે તેને સંપૂર્ણ કવર કરવાનું આયોજન છે. દક્ષિણમાં જે રૂપારેલ કાંસ આવેલ છે જે જાંબુવા સુધી જાય છે એને હાઇવેથી સમાંતર નવી કાંસ બનાવી એ પાણી ડાયવર્ટ કરવાનું આયોજન છે. જે કામ બે મહિનામાં પૂર્ણ થાય તેવી વિચારણા છે. પાણી અને વરસાદ અંગેના તમામ કામો 15 જૂન પહેલા પૂરું કરવાની વિચારણા છે.