Get The App

મકાન માલિકની નજર ચૂકવી ભાડુઆત દોઢ લાખાના દાગીના લઇ રફૂચક્કર

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
મકાન માલિકની નજર ચૂકવી ભાડુઆત દોઢ લાખાના દાગીના લઇ રફૂચક્કર 1 - image


- ચોટીલના હરીધામ સોસાયટીનો બનાવ

- ગેસનો બાટલો પુરો થઇ જતાં મહિલા મકાન માલિક પાસે હાથ ઉછીના પૈસા લેવા આવી હતી

સુરેન્દ્રનગર : ચોટીલા હરીધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાં મકાન માલિકની નજર ચૂકવી દોઢ લાખના દાગીના લઇ ભાડુઆત મહિલા રફૂચક્કર થઇ ગઇ છે. આ મામલે મકાન માલિકને જાણ થતાં ચોટીલા પોલીસ મથકે રૂપિયા દોઢ લાખની મત્તાની ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ચોટીલા હરીધામ સોસાયટીમાં રહેતા ભાવનાબેન મુકેશભાઇ ચાવડા પોતાના રહેણાંક મકાને હતાં તે દરમિયાન ચોટીલા પોપટપરામાં આવેલા તેમના મકાનના ભાડુઆત હંસાબેન શંભુજી ઠાકોર તેમના ઘેર આવ્યા હતા. હંસાબેનના પતિ કામે ગયા હોય અને ઘરે ગેસની બોટલ ખાલી થઇ જતાં ગેસની બોટલ લેવા માટે રૂપિયા પાંચસો ઉછીના આપવા વાત કરી હતી. આથી ભાવનાબેને તેમને ચા પીને પછી જાવ તેમ કહી રસોડામાં ચા બનાવવા ગયાં હતાં. તે દરમિયાન હંસાબેને ભાવનાબેનના ઘરમાં આવેલા મંદિરના ખાનામાં રાખેલો સોનાનો ચેઇન, મંગળસુત્ર તેમજ ત્રણ વીંટી સહીતના સોનાના દાગીનાની ચોરી કરી લીધી હતી અને ત્યારબાદ ચા પી હંસાબેન નીકળી ગયાં હતાં. થોડી વાર બાદ શાકભાજી લેવા માટે ભાવનાબેનને પૈસાની જરૂર પડતાં મંદિરનું ખાનું ખોલતા તેમાંથી ઘરેણાંની ચોરી થયાં અંગે જાણ થઇ હતી. આથી ભાવનાબેને હંસાબેનના મોબાઇલ પર ફોન કરતા ફોન બંધ આવતા રૂબરૂ પોપટપરામાં આવેલા મકાને તપાસ કરવા ગયાં હતાં જ્યાં મકાન પણ બંધ જોવા મળતા હંસાબેન ઠાકોર જ દાગીનાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હોવાની જાણ થતાં ભાવનાબેને ચોટીલા પોલીસ મથકે હંસાબેન શંભુજી ઠાકોર વિરૂધ્ધ રૂપિયા દોઢ લાખના ઘરેણા અંગેની ચોરીની ફરીયાદ નાધાવતા પોલીસે ગુન્હો નાધી વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.



Google NewsGoogle News