વડોદરામાં ડ્રેનેજ લાઈનો ચોક અપ અને ડેમેજ થતાં ટેમ્પરરી પંપો મૂકી પાણી ઉલેચી નિકાલ
Vadodara Corporation : વડોદરામાં ડ્રેનેજના પાણીના નિકાલ માટે લાઈનો ચોકઅપ થવાથી, લાઈનોમાં ભંગાણ અથવા તો લાઈનોનું લેવલ નહીં મળવાથી પાણી ઘણા સ્થળે પંપિંગ દ્વારા ઉલેચીને નિકાલ કરવો પડે છે. આ માટે કોર્પોરેશનને સતત પંપો ચાલુ રાખવા પડે છે. હાલ શહેરમાં 31 સ્થળે આવા પંપો ચાલુ છે. વરસાદી પાણીનો નિકાલ કરવા, તળાવમાંથી ગંદા પાણી બહાર કાઢવા પણ પંપો ચાલુ રાખવા પડે છે. આ સ્થિતિમાં પંપોની આવશ્યકતા વધતા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ તાજેતરમાં 20 HPના 10 અને 40 HPનો એક પંપ ખરીદવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશન હકીકતમાં ડ્રેનેજના પાણીના તાત્કાલિક નિકાલ માટે પંપો મૂકવાનું ટેમ્પરરી ધોરણે કામ કરે છે, પરંતુ ડ્રેનેજ સિસ્ટમમાં સુધારો ન થતા પંપો બાદમાં કાયમી વ્યવસ્થા બની જાય છે. ગોરવા, નવાયાર્ડ સહિત ઘણા વિસ્તારમાં આવું જોવા મળ્યું છે.
વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાના કહેવા મુજબ આટલા મોટા શહેરમાં કામ ચલાઉ ધોરણે વ્યવસ્થા માટે પંપો હોય એ જરૂરી છે, પરંતુ પંપિંગ વ્યવસ્થા કાયમી ન બની જવી જોઈએ. હકીકતમાં ડ્રેનેજનું પાણી ગ્રેવિટીના ધોરણે જવું જોઈએ. ઓક્ઝિલરી પંપિંગ સ્ટેશન પણ ન હોવા જોઈએ, એટલે કે ડ્રેનેજ સિસ્ટમ ઢાળ અનુસાર હોવી જોઈએ. છાણી વિસ્તારનો ઢાળ અટલાદરા તરફ છે, છતાં પાણીનો નિકાલ હાલ કઈ રીતે થાય છે તે તંત્ર જાણે છે. ડ્રેનેજના પાણી ઉલેચીને એક સ્થળેથી બીજે સ્થળે નાખવામાં એનર્જીનો વેસ્ટ થાય છે.