અબ કી બાર 46 કે પાર? ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Forecast: વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર પૂરી થતાં જ ગુજરાતમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે ગુજરાતના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું અને તેના પરથી જ આગવરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. હિંમતનગરમાં 45 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી જ્યારે સુરેન્દ્રનગર, ડીસા, અમદાવાદ, ગાંધીનગરમાં 44 ડિગ્રીએ ગરમીને પારો નોંધાયો હતો.
અમદાવાદમાં પારો 46 સુધી પહોંચી શકે
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 42થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. હવામાન વિભાગે અમદાવાદમાં શનિવાર-રવિવારના ઓરેન્જ એલર્ટ જ્યારે સોમવાર-મંગળવારના યલો એલર્ટ જાહેર કરી છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 22 મે સુધી 44ની આસપાસ તાપમાન રહેશે એને ત્યારબાદ પારો 46 સુધી પહોંચી શકે છે.
તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે
ગત રાત્રિએ અમદાવાદમાં 31 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધ્યું હતું. આમ, રાત્રિના પણ ગરમીથી લોકો ત્રસ્ત થયા હતા. શુક્રવારે રાજ્યમાંથી અન્યત્ર જયાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ડાંગ, છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી, રાજકોટ, ભુજનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. પાંચ દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં યેલો એલર્ટ છે.'
અબ કી બાર 46 કે પાર : 23મી બાદ ગરમી હજુ વધશે
ગુજરાતના મોટાભાગના શહેરમાં આજથી ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. પોરબંદર, રાજકોટ, દ્વારકા, વલસાડ, સુરત સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. અમદાવાદમાં 22મી સુધી તાપમાન 44ની આસપાસર રહેશે અને ત્યારબાદ પારો 46 ડિગ્રીએ પહોંચે તેવી સંભાવના છે.
આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ શહેરોના હવામાનમાં આવશે પલટો, અંબાલાલની આગાહી