શહેરમાં 42.02 ડિગ્રી તાપમાન, આગ ઓકતી ગરમીથી હાશતોબા
- વૈશાખ માસના આરંભે ગરમીનો પારો સડસડાટ 5 ડિગ્રી ઉંચકાયો
- 22 કિ.મી.ની ઝડપે લૂ સાથે પવન ફૂંકાયો : આભમાંથી અગન જવાળા વરસી હોય તેવો અનુભવ, ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ થયું
ભાવનગરમાં આજે સપ્તાહના આરંભે ગરમીનો પારો ૪૨.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ચાલુ વર્ષ ઉનાળાની સિઝનમાં છેલ્લા ૧૫ દિવસની અંદર જ બીજી વખત મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રીને આંબી જતાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા હોય તેવો અહેસાસ થયો હતો. ખાસ કરીને બપોરના સમયે રીતસરની ચામડી દઝાડે તેવો ગરમીનો પ્રકોપ રહ્યો હતો. ગરમીની સાથોસાથ ૨૨ કિ.મી. પ્રતિકલાકની ઝડપે લૂ સાથેનો પવન ફૂંકાતા શહેરીજનો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ખુલ્લા રસ્તાઓ પર ગરમી વધુ પ્રમાણમાં અનુભવાઈ હતી. આભમાંથી અગન જવાળાઓ વરસતી હોય, વાહનચાલકો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ભગવાન ભાળી ગયા હતા. ગરમીમાં રાહત મેળવવા લોકો ઠંડા પીણા, શેરડીનો રસ, આઈસક્રીમ, જ્યુસનું સેવન કરતા નજરે ચડયાં હતા. આકરી ગરમીનો કહેર મોડી સાંજે પણ વર્તાયો હતો. સાંજે ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, કાળઝાળ ગરમીના કારણે ૨૪ કલાકમાં જ મહત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી ઉંચકાયો હતો. જે સરેરાશ તાપમાનથી ત્રણ ડિગ્રી વધુ હોવાનું હવામાન વિભાગમાં નોંધાયું છે. તો બીજી તરફ ગઈકાલે રવિવારે મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી જ રહ્યું હોય, રાત્રે પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેતા લઘુતમ તાપમાન ૧.૬ ડિગ્રી ઘટીને ૨૪.૦ ડિગ્રી નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૮ ટકા રહ્યું હતું.
બોક્સ...
એક સપ્તાહ દરમિયાન નોંધાયું તાપમાન
તારીખ |
મહત્તમ |
લઘુતમ |
|
તાપમાન |
તાપમાન |
૨૮-૪ |
૪૨.૨ |
૨૪.૦ |
૨૭-૪ |
૩૭.૨ |
૨૫.૬ |
૨૬-૪ |
૪૦.૪ |
૨૫.૫ |
૨૫-૪ |
૩૭.૮ |
૨૭.૦ |
૨૪-૪ |
૩૯.૦ |
૨૮.૧ |
૨૩-૪ |
૪૦.૮ |
૨૬.૯ |
૨૨-૪ |
૪૦.૦ |
૨૭.૦ |