ગુજરાતના 12 શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather Report : ગુજરાતના 12 શહેરમાં મંગળવારે સરેરાશ લધુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ગાંધીનગરમાં 15 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.
અમદાવાદમાં 19.7 ડિગ્રી સાથે લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો
ગત વર્ષે અમદાવાદમાં 18 નવેમ્બરના 18 ડિગ્રી જ્યારે નલિયામાં 12.8 ડિગ્રી તાપમાન હતું. જેની સરખામણીએ ઠંડીમાં હજુ સુધી સાધારણ ચમકારો છે. અમદાવાદમાં મંગળવારે રાત્રે 19.7 ડિગ્રી સાથે સરેરાશ લધુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો હતો. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રી સુધી જઈ શકે છે.
ગત રાત્રિએ નલિયામાં 15.5 ડિગ્રી સરેરાશ લધુત્તમ તાપમાન હતું. અન્યત્ર જ્યાં ઠંડીનો ચમકારો અનુભવાયો તેમાં વડોદરા, ડીસા, અમરેલી, ડાંગ, રાજકોટ, ભુજનો પણ સમાવેશ થાય છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે. જેના કારણે આગળના દિવસોમાં રાજ્યમાં પણ ઠંડો પવન ફૂંકાવા લગાશે અને આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે.
ગુજરાતમાં ક્યાં વધારે ઠંડી...
શહેર | તાપમાન |
ગાંધીનગર | 15.0 |
નલિયા | 15.5 |
ડીસા | 16.4 |
વડોદરા | 17.0 |
અમરેલી | 17.0 |
ડાંગ | 17.0 |
રાજકોટ | 17.2 |
ભુજ | 18.6 |
પોરબંદર | 19.0 |
વલસાડ | 19.0 |
ભાવનગર | 19.2 |
અમદાવાદ | 19.7 |
સુરત | 20.1 |