કાપોદ્રાના સિવિલ ઈજનેરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.23.50 લાખ પડાવવામાં તેલંગણાનો યુવાન પકડાયો
ઝડપાયેલા યુવાને તેનું બેન્ક એકાઉન્ટ સાયબર માફીયાઓને રૂ.1.50 લાખના કમિશનથી વાપરવા આવ્યું હતું અને તેમાં તમામ રકમ જમા થઈ હતી
યુવાનના એકાઉન્ટમાં માત્ર અઢી મહિનામાં રૂ.3.58 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે
- ઝડપાયેલા યુવાને તેનું બેન્ક એકાઉન્ટ સાયબર માફીયાઓને રૂ.1.50 લાખના કમિશનથી વાપરવા આવ્યું હતું અને તેમાં તમામ રકમ જમા થઈ હતી
- યુવાનના એકાઉન્ટમાં માત્ર અઢી મહિનામાં રૂ.3.58 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે
સુરત, : સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાન સિવિલ એન્જીનીયરને ડિજિટલ એરેસ્ટ કરી રૂ.23.50 લાખ પડાવવાના ગુનામાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે પોતાનું બેન્ક એકાઉન્ટ સાયબર માફીયાઓને રૂ.1.50 લાખના કમિશનથી વાપરવા આપનાર તેલંગણાના યુવાનની ધરપકડ કરી છે.સાયબર માફીયાઓએ સિવિલ એન્જીનીયર પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે તમામ યુવાનના જ એકાઉન્ટમાં જમા થયા હતા.
સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાન સિવિલ એન્જીનીયરને તમે મોકલેલા પાર્સલમાંથી 16 ફેક પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ, 140 ગ્રામ ડ્રગ્સ મળ્યું છે કહી દિલ્હી પોલીસ, સીબીઆઈના નામે હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી તેમજ બોગસ કોર્ટ ઓર્ડર મોકલી ઘરે સીબીઆઈની રેડ કરવામાં આવશે કહી બેન્ક એકાઉન્ટમાં રહેલા પૈસા લીગલ કરવાના બહાને જુદાજુદા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી બોગસ નોટરાઈઝ લેટર મોકલી સાયબર માફિયાઓએ રૂ.23.50 લાખ પડાવ્યા હતા.આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે ગત 13 ડિસેમ્બરના રોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ આ ગુનામાં સદ્દી કાર્તિક સદ્દી સુરેન્દ્રર રેડ્ડી ( ઉ.વ.33, રહે.2-48/2, બેંક કોલોની, ડબીપુર, મેડછલ, જી.કે.વી.રંગારેડ્ડી, હૈદરાબાદ, તેલંગણા ) ની ધરપકડ કરી હતી.ખાનગી નોકરી કરતા સદ્દી કાર્તિક સદ્દી સુરેન્દ્રર રેડ્ડીએ પોતાનું બેન્ક એકાઉન્ટ રૂ.1.50 લાખના કમિશનથી વિકાસકુમાર રાઉત મારફતે સાયબર માફીયાઓને વાપરવા આપ્યું હતું.સાયબર માફીયાઓએ સિવિલ એન્જીનીયર પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે તમામ સદ્દી કાર્તિક સદ્દી સુરેન્દ્રર રેડ્ડીના જ એકાઉન્ટમાં જમા થયા હતા.તેના એકાઉન્ટમાં 19 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન માત્ર અઢી મહિનામાં રૂ.3,58,14,006 ના ટ્રાન્ઝેક્શન થયા છે.વધુ તપાસ વાય.એસ.ગામીત કરી રહ્યા છે.