તેજસ્વી ચૌધરીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો, પ્રેમ પ્રકરણમાં યુવતીનું ગળું કાપીને થઈ હતી હત્યા
Surat News : ગુજરાતના સુરતના માંગરોળ ખાતે ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના સર્જાઈ હતી. જેમાં પ્રેમ પ્રકરણમાં બોરીયા ગામની 20 વર્ષીય યુવતીની યુવકે ગળાના ભાગે ચપ્પુ મારી હત્યા કરી હતી. જ્યારે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી યુવકને કડક સજા ફટકારવાની માગ થઈ રહી છે, ત્યારે મૃતક યુવતીની આજે બુધવારે નીકળેલી અંતિમ યાત્રામાં સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ દુઃખદ ઘટનામાં વાંકલ બજારના વેપારીઓએ સ્વૈચ્છિક બજારની દુકાનો બંધ રાખીને યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીનું ગળું કાપી મોત નીપજાવ્યું
રાજ્યમાં ફરી ગ્રીષ્મા હત્યા કેસ જેવી ઘટના સામે આવી છે. જેમાં સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામની 20 વર્ષીય તેજસ્વી ચૌધરી નામની યુવતીનું પ્રેમ પ્રકરણમાં સુરેશ જોગી નામના યુવકે ચપ્પુ વડે ગળુ કાપી નાખ્યું હતું. આ પછી યુવતે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવક હાલ સારવાર હેઠળ છે.
![]() |
ગ્રીષ્મા હત્યા કેસ |
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા ફટકારી હતી
સુરતના કામરેજ, પાસોદરામાં 12મી ફેબ્રુઆરી, 2022ના રોજ એક તરફી પ્રેમમાં પડેલા આરોપી ફેનીલ ગોયાણીએ સરેઆમ ગ્રીષ્મા વેકરીયાની ગળે ચપ્પુ મારીને હત્યા કરી હતી. તે પહેલાં આરોપી ફેનીલને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઈ અને ભોગ બનનાર ગ્રીષ્માના ફરિયાદી ભાઈ ધ્રુવ વેકરીયા પર પણ આરોપી ફેનીલે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ માત્ર 69 દિવસોની સ્પીડી ટ્રાયલ પૂરી થતાં ત્રણ તબક્કે આરોપી વિરુદ્ધનો ચુકાદો મુલત્વી રહ્યો હતો. સમગ્ર ઘટના મામલે કોર્ટે ગ્રીષ્માના હત્યારા ફેનીલ ગોયાણીને મૃત્યુ દંડની સજા, 5 હજાર દંડ તથા ન ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. જ્યારે ભોગ બનનારના પરિવારને તથા ઈજાગ્રસ્તોને કોર્ટે વિકટીમ કોમપેન્સેશન સ્કીમ હેઠળ 7 લાખનું વળતર ચૂકવવા ભલામણ કરી હતી.