Get The App

હવે સુરતીઓ પણ માણશે કેરળ જેવી વોટર મેટ્રોની મજા, 22 નવેમ્બરે ટેકનિકલ ટીમ સુરત આવશે

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
હવે સુરતીઓ પણ માણશે કેરળ જેવી વોટર મેટ્રોની મજા, 22 નવેમ્બરે ટેકનિકલ ટીમ સુરત આવશે 1 - image

image : Twitter

Surat Water Metro : સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી છે પરંતુ હવે તાપી નદી પર બેરેજ સાકાર થાય પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા વિચારણા થઈ હતી. પાલિકા કમિશ્નરની વિદેશમાં મુલાકાત દરમિયાન કોચીના વોટર મેટ્રોના ટેકનિકલ સભ્યોની ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી.

સુરત મ્યુનિ. કમિશનર સાથેની ચર્ચા બાદ આગામી 22 નવેમ્બર ના રોજ સુરત ખાતે કોચી વોટર મેટ્રોની ટેકનિકલ સભ્યોની ટીમ આવશે. આ ટીમ સાથે સુરત પાલિકાની ટીમ બેરેજના અપસ્ટ્રીમની મુલાકાત લેશે. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ બનાવવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. તાપી નદી પર બેરેજ બનવા સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં વધારો થશે. આ ઉપરાંત તાપી નદી બારેમાસ પાણીથી ભરાયેલી હોય તેવા સમયે તાપી નદીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે આયોજન થઈ રહ્યું છે. સુરત પાલિકાના આજે રજુ થયેલા ડ્રાફ્ટ બજેટમાં તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર ટ્રાન્સપોર્ટને ઇન્ટિગ્રેટેડ કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી.   

ભારતના કોચી વિસ્તારમાં દેશની પહેલી વોટર મેટ્રો છે તેવી જ રીતે હવે સુરતમાં વોટર મેટ્રો બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. થોડા સમય પહેલા પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના વર્કશોપમાં ગુજરાત સરકાર વતી પ્રતિનિધિ તરીકે હાજર સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ ઉપસ્થિત હતા. તેમની આ મુલાકાત બાદ સુરતમાં પણ તાપી નદીમાં વોટર મેટ્રો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

મ્યુનિસિપલ  કમિશનર સાથેની બેઠક બાદ એસીઈ ભગવાગર અને તેમની ટીમને કોચીïના તજજ્ઞોની ટીમને તાપી નદીના બંને કાંઠે સુચિત બેરેજના અપસ્ટ્રીમ વિસ્તારમાં નદી કાંઠાની વિઝિટ માટેની જવાબદારી સોîપવામાં આવી છે. સુરતમાં 108 કિલોમીટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળીને સુચિત બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાય? તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતાની ચકાસણી કરવામાં આવશે. 

સુરતમાં વોટર મેટ્રો અંગે કવાયત શરુ થઈ છે તેવા સમયે કોચી વોટર મેટ્રોની ટીમની આ મુલાકાત  સુરત શહેર માટે ઘણી જ મહત્ત્વની સાબિત થઈ શકે તેમ છે. ખાસ કરીને સુચિત બેરેજ સાકાર થયા બાદ તાપી નદીના અપસ્ટ્રીમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહેશે. તે સ્થિતિમાં શહેરીજનોને વોટર મેટ્રો ખૂબ જ ઉપયોગી થઈ પડે તેમ છે. વિદેશોમાં આ પ્રોજેક્ટ ખૂબ જ સફળ થયો છે અને આ પ્રોજેક્ટ બહુ ખર્ચાળ પણ નથી. કોચીની ટીમની વિઝિટ બાદ તેમના દ્વારા અપાનારા અભિપ્રાય પર આ પ્રોજેક્ટ સફળ થશે કે નહીં તેનો આધાર રહેશે. કોચીમાં ઉપયોગમાં લેવાતી વોટર મેટ્રો પ્રોજેક્ટ માટેની તમામ બોટ ઈલેક્ટ્રિક છે, જેથી પર્યાવરણની દ્રષ્ટિએ પણ તે નુકસાનકારક નથી. 


Google NewsGoogle News