વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હોટ ફેવરિટ, છેલ્લા ક્રમે નેધરલેન્ડ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હોટ ફેવરિટ, છેલ્લા ક્રમે નેધરલેન્ડ 1 - image


બુકી બજારે આખરે ભાવો ખોલ્યા અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર હાઈ વોલ્ટેજ મેચનો ભાવ હજૂ બુકીઓએ ખોલ્યો નથી

રાજકોટ, : આગામી 5 ઓકટોબરે 13માં ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહયો છે. જે તારીખ 19 નવેમ્બર સુધી ચાલશે. વર્લ્ડ કપમાં કુલ 48 મેચો રમાશે. બુકીઓ માટે વર્લ્ડ કપ મોટી સિઝન ગણાય છે. જેને કારણે અત્યારથી જ  બુકી બજાર સક્રિય થઈ ગયું છે.  દેશભરમાં વર્લ્ડ કપ પર અબજો રૂપિયાનો સટ્ટો રમાવાનો અંદાજ છે. બુકી બજારે આ વખતે ભારતને હોટ ફેવરિટ ગણ્યું છે. ભારતનો ભાવ રૂા. 2.15 ખુલ્યો છે. 

બીજા ક્રમે ઈંગ્લેન્ડનો રૂા. 3.50 પૈસા, ઓસ્ટ્રેલીયાનો રૂા. 4.50 પૈસા, પાકિસ્તાનનો રૂા. 9, આફ્રિકાનો રૂા. 11, ન્યુઝીલેન્ડનો રૂા. 12, શ્રીલંકાનો રૂા. 34, અફઘાનિસ્તાનનો રૂા. 80, બાંગ્લાદેશનો રૂા. 150 અને નેધરલેન્ડનો રૂા. 200નો ભાવ ખુલ્યો છે. તે સાથે જ બુકીઓએ સોદા લેવાનું શરૂ કરી દીધું છે. 

જેમ જેમ ટુર્નામેન્ટ આગળ વધશે તેમ ભાવોમાં મોટાપાયે ઉથલપાથલ થશે. બુકી બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતની ટીમ ખૂબ જ મજબુત છે. રેન્કીંગમાં નંબર વન છે.  તાજેતરમાં એશિયા કપ જીત્યો છે. ઓસ્ટ્રેલીયાને વન-ડે સીરીઝમાં માત આપી છે. વળી આ વર્લ્ડ કપ ઘરઆંગણે હોવાથી ટીમ ઈન્ડિયાના પ્લેયરોનો જુસ્સો આસમાને છે. આ બધા પરિબળોને કારણે ભારતને હોટ ફેવરિટ ગણી તે મુજબના ભાવો ખોલવામાં આવ્યા છે. 

અત્યાર સુધીમાં 12 વર્લ્ડ કપ રમાયાં છે. જેમાં સૌથી વધુ 5 વખત ઓસ્ટ્રેલીયા, 2- 2 વખત ભારત અને વેસ્ટ ઈન્ડિઝ, 1-1  વખત ઈંગ્લેન્ડ, શ્રીલંકા અને પાકિસ્તાન ચેમ્પિયન બની ચૂકયું છે.  1975  અને 1979માં સતત બે વખત વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈતિહાસમાં પહેલી વખત આ વખતે વર્લ્ડ કપમાં કવોલિફાઈડ થઈ નથી.  વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદ ખાતે આગામી તા. 14 ઓકટોબરના રોજ  હાઈ વોલ્ટેજ મેચ રમાશે. જેના પર ભારત, પાકિસ્તાન જ નહીં અનેક દેશના ક્રિકેટ રસિયાઓની નજર છે. જો કે બુકી બજારના જણાવ્યા પ્રમાણે આ મેચના ભાવો હજુ ખુલ્યા નથી. ટૂંક સમયમાં ભાવો ખુલશે. 


Google NewsGoogle News