શિક્ષકોની હાલત કફોડી : ઉત્તરવહી ચકાસણી, પરીક્ષા સુપરવાઇઝર, ચૂંટણી તાલીમના ઓર્ડર
ડબલ-ત્રિપલ ડયુટી નિભાવવી પડશે
- ચૂંટણીની તાલીમ કે પછી ગુજકેટ સહિત અન્ય પરીક્ષામાં ખંડ-બ્લોક સુપરવાઇઝર તરીકે ફરજ બજાવ્યા બાદ પેપર તપાસવા જવુ પડશે
સુરત
લોકસભાની ચૂંટણીમાં, બોર્ડની પરીક્ષામાં તેમજ અન્ય પરીક્ષામાં શિક્ષકોનો મહત્વનો રોલ હોય છે. અને હાલ એવી સ્થિતિ છે કે એકબાજુ શિક્ષકો પેપર તપાસી રહ્યા છે, બીજી બાજુ ચૂંટણીની તાલીમના ઓર્ડર થયા છે. તો ત્રીજી બાજુ ગુજકેટ કે અન્ય પરીક્ષાના ઓર્ડરો થયા છે. આથી શિક્ષકો મુંઝાયા છે કે જવુ તો કયાં જવુ કેમકે તમામ કામગીરી મહત્વની છે ?
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા જ જે તે વિષયના શિક્ષકોની વિદ્યાર્થીઓની ઉતરવહીઓ ચકાસવાના ઓર્ડરો થયા છે. હજુ તો કેટલાક શિક્ષકો ઉતરવહીઓ ચકાસવાના ઓર્ડર થયા છે. તો કેટલાક શિક્ષકો ઉતરવહીઓ ચકાસવાનું શરૃ કરી દીધુ છે. આ વચ્ચે જે આજે મોટાભાગની સ્કુલોમાં શિક્ષકો માટે લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવવા માટે તાલીમના ઓર્ડરો થયા છે. આ ઓર્ડરો સાથે જ બીજી બાજુ ગુજકેટની તેમજ અન્ય પરીક્ષાઓ પણ લેવાનાર છે. અને તેમાં પણ કેટલાક શિક્ષકોનો ખંડ નિરીક્ષકના ઓર્ડરો થયો છે. આમ એકબાજુ પેપર તપાસવાની કામગીરી, બીજી બાજુ પેપર તપાસવાની સાથે ચૂંટણીની તાલીમ તો ત્રીજી બાજુ ગુજકેટ અને અન્ય પરીક્ષામાં ખંડ નિરીક્ષક ફરજ બજાવવાના ઓર્ડર થયા છે. આમ શિક્ષકો માટે બધી જ કામગીરી મહત્વની હોવાથી કઇ કરવી અને કઇ નહીં કરવી તે અંગે મુંઝાયા છે.
આ અંગે સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના જણાવ્યા મુજબ જે જે શિક્ષકો હાલ પેપર તપાસી રહ્યા છે કે પછી પેપર તપાસવા જવાના છે. તે શિક્ષકોનો જે દિવસે ચૂંટણીની તાલીમનો ઓર્ડર થયો છે. તે દિવસે તાલીમ પૂર્ણ કરીને ફરીથી પેપર તપાસવાની કામગીરી કરવી પડશે. તો બીજી બાજુ જે શિક્ષકોના ગુજકેટ કે અન્ય પરીક્ષામાં બ્લોક સુપરવાઇઝર કે ખંડ નિરીક્ષક તરીકેનો ઓર્ડર થયા છે. તેમણે કામગીરી પૂર્ણ કરીને પેપર તપાસવા જવુ પડશે.