સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો હવે સ્કૂલ શિફ્ટિંગ માટેની કામગીરી પણ કરશે
Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શૈક્ષણિક કાર્ય સિવાય ના વિવિધ પ્રવૃત્તિઓને ભરમાળ થઈ રહી છે. ત્યારે હવે પરીક્ષા પુરી થતાં વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન આપતા શિક્ષકો નવી ભૂમિકામાં જોવા મળશે. પાલિકાની સાતેક જર્જરિત શાળા શિફ્ટિંગ કરવાની કામગીરી હવે આચાર્ય અને શિક્ષકોને માથે મૂકી દેવામા આવી છે. પરીક્ષાની પૂર્ણાહુતિ બાદ નવા સત્ર શરું થાય તે પહેલાં શિક્ષકો સ્કુલ શિફ્ટિંગ માટેની કામગીરી કરતા જોવા મળશે.
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં શૈક્ષણિક સત્ર ચાલુ હોય તે દરમિયાન વિદ્યાર્થીઓ-શિક્ષકો આ ઈતર પ્રવૃત્તિમાં વ્યસ્ત મળ્યા હતા. શિક્ષકો વિવિધ પ્રવૃત્તિઓના આંકડા ભરવામાંથી ઊંચા આવતા નથી તેથી શિક્ષણ માટે પૂરતો સમય આપી શકતા ન હોવાથી સમિતિનું શિક્ષણ નબળું હોવાની ફરિયાદ થઈ રહી છે હવે પરીક્ષા પુરી થયા બાદ શાળાના આચાર્ય અને શિક્ષકોને માથે નવી જ જવાબદારી નાખી દેવામાં આવી છે.
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની 20 જેટલી શાળાઓમાં સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ શાળાઓમાં નવું સત્ર શરૂ થતાં પહેલાં અન્ય શાળામાં ખસેડવા માટે ઝોન અને સમિતિ દ્વારા શાળાને નોટિસ આપી દેવામા આવી છે. જર્જરિત શાળામાંથી અન્ય શાળામાં સામાન ખસેડવાની કામગીરી આમ તો ઝોન અને શિક્ષણ સમિતિની છે પરંતુ શાળા ખસેડવા માટે ઝોનમાં બેલદાર અને વાહન મેળવવા માટે પહેલા અરજી કરવાની હોય છે અને તે પણ ભાગ્યે જ મળે છે.
જેના કારણે શિક્ષણ સમિતિએ વહેવારુ ઉપાય તરીકે વાહન ભાડું અને મજુરીના પૈસા શાળાને આપવામાં આવે છે. પરંતુ શાળા શિફ્ટિંગની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની બની જાય છે. તેથી હવે આગામી વેકેશન પહેલા જે સાતેક શાળા અન્ય શાળા અન્ય જગ્યાએ શિફ્ટ કરવાની છે તે કામગીરી આચાર્ય અને શિક્ષકોએ કરવાની રહેશે. એક તરફ પરીક્ષા પુરી થઈ છે અને રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી પણ આ શિક્ષકોએ કરવાની છે અને બીજી તરફ શાળા શિફ્ટિંગની કામગીરી પણ શિક્ષિત કરવી પડશે.