Get The App

ધોરાજીમાં મતદાન બૂથ પર પતિને ફરજ પર ગોઠવનાર શિક્ષિકા સસ્પેન્ડ

Updated: Dec 3rd, 2022

GS TEAM


Google News
Google News
ધોરાજીમાં મતદાન બૂથ પર પતિને ફરજ પર ગોઠવનાર શિક્ષિકા સસ્પેન્ડ 1 - image


મતદાનના દિવસે ફરજ પર હાજર થવાના બદલે B.L.O. તરીકે ફરજ બજાવવાનો હુકમ ચૂટણી પંચે કર્યો હતો, શિક્ષિકાએ ફરજ બજાવવાના બદલે અનાધિકૃત રીતે પતિને ધકેલી દીધા

ધોરાજી, : અહીની કે.ઓ શાહ કોલેજ ખાતેના મતદાન બૂથ પર બી.એલ.ઓ તરીકે કાયદેસર નિયુકત થયેલા શિક્ષિકાએ ફરજ બજાવવા હાજર થવાના બદલે એમની અવેજીમાં એના નિવૃત પતિને ફરજ બજાવવા ધકેલી દેવાની ઘટનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચૂટણી પંચના રિપોર્ટના આધારે કસુરવાન શિક્ષિકાને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા શિક્ષક આલમમાં સનસનાટી મચી ગઈ છે.

ગત તા. 1ના રોજ વિધાનસભા ચૂટણી અન્વયે મતદારોને માર્ગદર્શન આપવા અને એમના મતદાર યાદી ક્રમાંક વગેેરે બાબતોએ માહિતી આપવા રાજયના દરેક મતદાન બૂથ પર જે તે વિસ્તારના બી.એલ.ઓને નિયુકત કરેલા હતા આ અન્વયે અહીનીશાળા નંબર 11ના શિક્ષિકા જયોત્સનાબેન સવજીભાઈ રાબડિયાની બી.એલ.ઓ તરીકે કાયદેસરની નિયુકિત થઈ હતી. આ ફરજ એમણે જ બજાવવાની હોય છે. આમ છતાં આ શિક્ષિકાએ ફરજ પર એમના નિવૃત કર્મચારી પતિને મોકલી દેતા એ પોતે બી.એલ.ઓ ન હોવા છતાં બી.એલ.ઓનો સ્વાંગ સજીને ફરજ બજાવવા લાગ્યા હતા. જેની કેટલાક મતદાર અને એક અપક્ષ ઉમેદવારને જાણ થઈ જતાં હોબાળો મચી ગયો હતો. તેણે ચૂટણી અધિકારીને જાણ કરતા આખો મામલો સપાટી પર આવી ગયો હતો. 

આ પછી ચૂટણી અધિકારીએ ફરજમાં ઘોર બેદરકારી સેવવા બદલ લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ ૨૬ના ઉલ્લંઘન કરવા બદલ કસુરવાન શિક્ષિકા જયોત્સનાબેન રાબડિયા સામે એમના અધિકૃત અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રીપોર્ટ કર્યો હતો. જેના આધારે ડીપીઈઓએ ગુજરાત પંચાયત શિસ્ત અને સેવાના અધિનિયમ હેઠળ સસ્પેન્ડ કરવાનો હુકમ કરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને બજાવવા મોકલી દીધો હતો. આખરે આ અધિકારીએ તાકિદની અસરથી કસુરવાન શિક્ષિકાને ફરજ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા. 

એક તબકકે એવી પણ વાત આવી હતી કે મતદાન મથક પર નિયત શિક્ષિકા ફરજ પર હતા અને એ ઉપરાંત એના પતિ પણ સાથે ફરજ બજાવવા આવ્યા હતા ! આ બાબતે એમના પતિનો માલાફાઈડ ઈરાદો શું હતો એ પણ તપાસનો વિષય બની શકે છે. આ બાબતે લોકોએ ફોટો અને વીડિયો પણ ઉતાર્યા છે. 

Tags :