બનાસકાંઠામાં 4 વર્ષમાં 33 શિક્ષકને તગેડી મૂક્યા તો અમેરિકાવાળા કઈ રીતે રહી ગયા? તંત્ર સામે ફરી સવાલ
Representative image |
Banaskantha Teacher Controversy: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 8 વર્ષથી દાંતાના પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થયાં ઈન્ચાર્જ આચાર્ય દ્વારા આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજ્યનો શિક્ષણ વિભાગ દોડતો થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારે પાન્છાના શિક્ષિકા સામે હજુકોઈ કાર્યવાહી ના થતાં અનેક સવાલ ઊભા થયા છે.
ગેરહાજર અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તવાઈ
દાંતા તાલુકાના પાન્છા પ્રાથમિક શાળાનાં શિક્ષીકા અમેરિકા રહેતં હોવા છતાં શાળાના રજીસ્ટરમાં નામ ચાલતુ હોવાનું બહાર આવતાં શિક્ષણ વિભાગ દોડતું થયું છે. જે બાદ જિલ્લાની અન્ય શાળાઓમાં પણ કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીના જણાવ્યા પ્રમાણે સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે છેલ્લા 4 વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી છે અને દોષિત 33 શિક્ષકો સામે કાર્યવાહી કરી બરતરફ કરાયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી સ્કૂલોમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ
કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 5 શિક્ષકને બરતરફ કરાયા
આંકડા પ્રમાણે જોઈએ તો કાંકરેજ તાલુકામાં સૌથી વધુ 5 અને ભાભર તાલુકામાં સૌથી ઓછા એક શિક્ષક સામે 4 વર્ષમાં કાર્યવાહી થઈ હોવાનું સામે આવ્યું છે. 33 પૈકી દિયોદર તાલુકાના 4, લાખણીના 3, સુઈગામના 2, દાંતીવાડાના 2, ડીસાના 4, ધાનેરાના 4, પાલનપુરના 3, થરાદના 3 અને વાવ તાલુકાના 2 શિક્ષકો છેલ્લા 4 વર્ષમાં બરતરફ કરાયા છે. છતાં કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો ફરજ ઉપર આવતા ના હોવાનું સામે આવી રહ્યું છે.