વલસાડમાં ટિકિટ વિના પ્રવાસ કરતાં યુવાનને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Valsad News: ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં પોતાનું કામ પતાવી વગર ટિકિટે પરત ફરી રહેલા બે યુવાનો અને ટિકિટ ચેકર વચ્ચે બોલાચાલી થઈ હતી. ટી.સી.એ પિત્તો ગુમાવતા વાપીના બલીઠા પાસે 20 વર્ષના યુવાનને ચાલું ટ્રેને ધક્કો મારતાં યુવાન નીચે પટકાતાં ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. રેલવે પોલીસે ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રના સ્ટેટમેન્ટ લઈ ફરિયાદ ગુનો નોંધ્યો હતો.
ટી.સી.એ બંને પાસે એક-એક હજાર રૂપિયા માંગ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપીના રામનગર ખાતે રહેતાં સંદીપ રામચરિત આર્યા (ઉં.વ.૨૦) તેનાં મિત્ર અજય ભિલાડ ખાતે ઇન્સ્યુલેશનનું કામ કરવાં ગયા હતાં અને સમાન પૂરો થતાં તેઓ સમાન લેવાં માટે મંગળવારે (11મી ફેબ્રુઆરી) 11.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ. વલસાડ લોકલ ટ્રેનમાં ભિલાડ સ્ટેશનથી વાપી આવવાં માટે સ્ટેશન પર પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રેન આવી જતા ટિકિટ લીધાં વગર જ ટ્રેનમાં ચઢી ગયા હતાં. ત્યારબાદ ટિકિટ ચેકર તપાસ માટે આવતાં તેની સાથે રકઝક ચાલી હતી. યુવાનોનાં કહેવાં મુજબ તેઓએ ટિકિટના પૈસા આપી દેવાં માટે જણાવ્યું હતું. પરંતુ ટી.સી.એ બંને પાસેથી એક-એક હજાર રૂપિાય માંગ્યા હતા, તેઓ પાસે માત્ર 500 રૂપિયા જ હોય ભિલાડથી વાપીના આટલાં બધા રૂપિયા કેવી રીતે થાય? તેમ જણાવી વધારે જીભાજોડી કરી હતી.
આ બંને યુવાનોએ તેમના શેઠ સાથે મોબાઇલ પર વાત કરાવી હતી, પરંતુ ટી.સી. નહીં માનતા ઝગડો ઉગ્ર બનતાં ટી.સી.એ સંદીપનો મોબાઇલ લઈ લેતા આ બબાલ દરમિયાન વાપી સ્ટેશન પણ આવી ગયું હતું. ટી.સી.એ બંનેને ટ્રેનમાંથી નીચે ઉતરવા દીધાં ન હતા, જેથી તેઓએ બે વખત ચેઈન પુલિંગ કરી હતી. તેઓ વચ્ચેનો ઝગડો ઉગ્ર બનતાં ટી. સી.એ મગજ પરનો કાબુ ગુમાવતા વાપીનાં બલીઠા ફાટક પાસે સંદીપને ચાલુ ટ્રેને જ ધક્કો મારી દેતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથા, મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજા થઇ હતી. ટ્રેનમાંથી નીચે પટકાતાં ટ્રેનને ચેઇન પુલિંગ કરી ઊભી રખાવી હતી અને 108ને ફોન કરતાં ટીમ સ્થળ પર પહોંચી સંદીપને વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈ. સી. યુ. માં સારવાર માટે દાખલ કર્યો છે. આ ઘટનામાં સદનસીબે સંદીપનો જાન બચી ગયો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.