Get The App

જલાલપોર તાલુકાના પૂર્ણા કિનારાના તવડી બોદાલી અને મછાડ ગામે ત્રણ અલગ અલગ બનાવમાં મધમાખીના ઝુંડે હુમલો કર્યાની ઘટનાથી અફરાતફરી

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
જલાલપોર તાલુકાના પૂર્ણા કિનારાના તવડી બોદાલી અને મછાડ ગામે ત્રણ અલગ અલગ બનાવમાં મધમાખીના ઝુંડે હુમલો કર્યાની ઘટનાથી અફરાતફરી 1 - image


Image: Wikipedia

જલાલપોર તાલુકાના તવડી, બોદાલી અને મછાડ ગામે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ અલગ અલગ બનાવમાં મધમાખી ના ઝુંડે અનેક લોકો પર હુમલાની ઘટના સામે આવી છે.જેમાં અનેક લોકોને મધમાખી એ ડંખ માર્યા હતા જે પૈકી એક શ્રમજીવી ને હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવ્યો છે.         

પ્રાપ્ત વિગત મુજબ જલાલપોર તાલુકાના પૂર્ણા નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી મધમાખી દ્વારા રાહદારીઓ ખેડૂતો શ્રમજીવીઓ પર હુમલાની ઘટના સામે આવી રહી છે.ચાર દિવસ અગાઉ નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે તવડી સાગરા રોડ પર સાત જેટલા વાહનચાલકો રાહદારીઓ પર મધમાખી ના ઝુંડે હુમલો કરતા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.તેમજ તવડી ગામની સીમમાં પણ મધમાખીના ઝુંડે શ્રમજીવીઓ ખેડૂતો પર હુમલો કર્યાની ઘટના ઘટી હતી.આ ઘટનાની શાહી સુકાય નથી ત્યાં ગઈકાલે ફરી એક વાર તવડી ગામે કેસલા વાડી ફળિયા માં રહેતા ચાર થી પાંચ જેટલા ખેડૂતો પર અચાનક મધમાખી ના ઝુંડે હુમલો કરતા અફરા તફરી મચી ગઇ હતી.જેમાં ભીખુભાઈ આહીર (આ.ઉ. વ ૫૮) ઉપર છંછેડાયેલા મધમાખીના ઝુંડે હિંસક હુમલો કરતા જીવ બચાવી બમાં બૂમ કરી ખેતરમાંથી ભાગ્યો હતો.એટલું જ નહિ પરંતુ ટ્રેકટર લઈને ખેતરમાં ગયેલા ગીરીશભાઈ નાથુભાઈ પટેલ અને અમ્રતભાઈ ગોવિંદભાઈ પટેલ પર મધમાખી એ હુમલો કરતા તેઓ પણ ટ્રેક્ટર મૂકી ને ભાગવા મજબૂર બન્યા હતા.તેમજ થોડા સમય પછી ટ્રેક્ટર લેવા ગયેલા ગિરીશભાઇ પુત્ર સાગર પટેલ પર પણ મધમાખીએ હુમલો કર્યો હતો.આ હુમલામાં ગંભીર હાલતમાં ભીખુભાઈ આહીર ને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં તેઓ આઇસીયુ માં હોવાનું જાણવા મળે છે.જ્યારે ગીરીશભાઈ અને અમ્રતભાઈ પટેલ ને સારવાર લેવાની નોબત આવી હતી.આ ઉપરાંત પણ છેલ્લા ચાર પાંચ દિવસ માં તવડી ગામના અનેક લોકો પર મધમાખી એ હુમલો કરી ડંખ માર્યાની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ઉપરાંત ગઈકાલે જલાલપોર તાલુકાના પૂર્ણા નદી કિનારાના બોદાલી ગામે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા માટે ગયેલા યુવાનો પર અચાનક મધમાખીના ઝુંડે હુમલો કરતા અફરા તફરી મચી ગઈ હતી.જેમાંથી કેટલાક દવાખાને સારવાર લેવાની નોબત આવી હતી.         

આ ઉપરાંત જલાલપોર તાલુકાના પૂર્ણા નદી કિનારાના મછાડ ગામે પણ કેટલા ખેડૂતો અને શ્રમજીવી ઓ પર મધમાખી ના ઝુંડે હુમલો કરતા ભારે નાસભાગ મચી ગઇ હતી.આમ એક જ દિવસ માં ત્રણ અલગ અલગ બનાવમાં જલાલપોર તાલુકાના તવડી, બોદાલી અને માછડ ગામે જંગલી મધમાખી દ્વારા હુમલો કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.અને મધમાખીના હુમલાના ડર થી લોકો ખેતીવાડી માં જતા ભય અનુભવી રહ્યા છે.


Google NewsGoogle News