Get The App

નસબંધીના ટાર્ગેટઃ આરોગ્ય મંત્રી અને અધિકારીના નિવેદનમાં વિરોધાભાસના કારણે વિવાદ

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
નસબંધીના ટાર્ગેટઃ આરોગ્ય મંત્રી અને અધિકારીના નિવેદનમાં વિરોધાભાસના કારણે વિવાદ 1 - image


Mehsana sterilization scandal : ખ્યાતિ  કાંડ બાદ મહેસાણા જિલ્લામાં નસબંધી કાંડનો ખુલાસો થયો છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાતાં આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં આવ્યુ છે. જોકે, આ ઘટનામાં આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારીના નિવેદનમાં વિરોધાભાસ ઉભો થયો જેના કારણે વિવાદ જન્મયો છે કેમ કે, આરોગ્ય મંત્રીએ ખુલાસો કર્યો છે કે, નસબંધીના ઓપરેશનમાં કોઇ ટાર્ગેટ અપાતાં નથી. જયારે આરોગ્ય અધિકારીએ એવો ફોડ પાડ્યો કે, ટાર્ગેટ વિના આ બધું શક્ય જ નથી. 

અડાલજમાં 29 પુરુષોની નસબંધી કરાઇ, જ્યારે સાબરકાંઠામાં 375 ઓપરેશન ટાર્ગેટથી કરાયાં

મહેસાણા જીલ્લાના નવી શેઢાવી ગામમાં એક અપરિણીત યુવકને દારૂ પીવડાવીને બારોબાર નસબંધી કરી દેવાતાં હોબાળો મચ્યો છે. આ ઉપરાંત આ જ વિસ્તારના જમનાપુર ગામમાં એક પરિણીતને ખેતરમાં મજૂરીની લાલચ આપીને સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં જાણ બહાર યુવકની નસબંધી કરી દેવામાં આવી હતી. 

આ પણ વાંચો: ટાર્ગેટની લ્હાયમાં યુવકને આપી હતી 500 રૂપિયાની લાલચ, પત્નીની મંજૂરી ફરજિયાત છતાં પોલંપોલ

આ બે ઘટના બાદ આરોગ્યમંત્રી ૠષિકેષ પટેલે એવો ખુલાસો કર્યો હતોકે, કુટુંબ નિયોજના કાર્યક્રમમાં કોઇ ટાર્ગેટ અપાતો નથી કેમ કે, આ બઘુ સ્વૈચ્છિક છે. છેલ્લાં 20 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે. ટાર્ગેટ આપવાની વાત સદંતર ખોટી છે. સ્વૈચ્છિક રીતે નસબંધી કરાવે તો પુરુષને રૂ.2 હજાર પુરસ્કાર પેટે આપવામાં આવે છે જ્યારે વર્કરને નસબંધીના ઓપરેશન દીઠ રૂ.200 ચૂકવવામાં આવે છે.

આ તરફ, આરોગ્ય અધિકારી જી.બી. ગઢવીનું કહેવું છે કે, ટાર્ગેટ વિના આ શક્ય જ નથી. સાબરકાંઠામાં ટાર્ગેટ આધારે જ 375 નસબંધીના ઓપરેશન થયા છે. ટૂંકમાં આરોગ્ય અધિકારીએ કુટુંબ નિયોજનની કામગીરીમાં સરકાર ટાર્ગેટ આપે છે તે વાતનો સ્વિકાર કર્યો હતો. અધિકારીએ આરોગ્ય મંત્રીને ખોટા પુરવાર કર્યા હતાં. 

આ પણ વાંચો: ગુજરાતમાં હવે 'નસબંધીકાંડ': ખેતરમાં મજૂરીની લાલચે પરિણીત યુવકને દારૂ પીવડાવી કાંડ કર્યો

અડાલજ સરકારી હોસ્પિટલમાં છેલ્લાં 12 દિવસમાં 29 પુરુષોની નસબંધીના ઓપરેશન કરવામાં આવ્યા હતાં. 26મી નવેમ્બરે સાત અને 29મી નવેમ્બરે 16 ઓપરેશન કરાયા હતાં. આમ, નસબંધી કાંડને કારણે આરોગ્ય વિભાગ વિવાદમાં સપડાયુ છે. 

શું હતી ઘટના?

નવી શેઢાવી ગામના 31 વર્ષની વયના અપરિણીત શ્રમજીવી યુવક ગોવિંદ દંતાણીને તેની જાણ બહાર નસબંધી કરી દીધી હતી. મજૂરીકામે લઈ જવાનું કહી યુવકને દારૂ પીવડાવી અમદાવાદના અડાલજ દવાખાનામાં નસબંધી ઓપરેશન કરાવી નાંખ્યુ હતું. આ પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. હસરત જસ્મીને તમામ પાસાએથી તપાસ કરાવી અને સી.ડી.એચ.ઓ (ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર) ડૉ. મહેશ કાપડિયાએ ભોગગ્રસ્ત લાભાર્થીના ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેનો અહેવાલ ચકાસી જોટાણા તાલુકાના સૂરજ પી.એચ.સી (પ્રાઇમરી હેલ્થ કેર)ના ધનાલી કેન્દ્રના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શહેજાદ અજમેરીને કસૂરવાન ઠરાવી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારબાદ તેની ફરજ મોકૂફી સાથે તેને ખેરાલુ આરોગ્ય કેન્દ્ર મોકલી દેવાયો હતો. 



Google NewsGoogle News