તાપીના ઉચ્છલમાં 8, ડોલવણમાં 7 ઇંચ વરસાદથી નદીઓ ગાંડીતૂર, 115 રસ્તા બંધ, વૃદ્ધા તણાઇ
Heavy Rain Tapi : તાપી જિલ્લામાં ગત 24 કલાક સુધી એકધારો વરસાદ ખાબકતાં ઉચ્છલમાં 8 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સોનગઢમાં 4.5 અને વાલોડમાં 4.4 ઇંચ મળી સર્વત્ર વરસાદ પડતા નદીઓ રૌદ્ર સ્વરૂપે વહેતા જનજીવન પ્રભાવિત થયું હતુ. સોનગઢ તાલુકામાં સોનગઢ-બરડીપાડા નેશનલ હાઇવે નં.953 પર એક અને સોનગઢના આમલગૂંડીમાં સ્ટેટ હાઇવે પર એક મળી કુલ બે પુલનું ધોવાણ થવા સાથે તુટી ગયા હતા. જ્યારે પાંચ તાલુકામાં નદી-નાળા પરના 115 માર્ગો બંધ થઇ ગયા હતા. અનેક ગામોના પાણી ભરાઈ ગયા હતા. જેથી વ્યારા,વાલોડ અને ઉચ્છલ તાલુકામાં એસડીઆરએફની ટીમ દ્વારા 916 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વાલોડમાં કોઝવે પરથી પગ લપસતાં 70 વર્ષની મહિલા તણાઈ હતી. શાળાઓમાં પણ રજા આપવામાં આવી હતી.
તાપી જિલ્લામાં ગુરૂવારે રાત્રે 8 વાગ્યા બાદ વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકામાં વરસાદની ધીમી ગતિએ શરૂઆત થઇ હતી. જોકે, રાત્રે 10 વાગ્યાથી વરસાદે જિલ્લામાં જોર પકડતા છેવાડાના નિઝર અને કુકરમુંડા તાલુકાને બાદ કરતા તમામ તાલુકામાં શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી ધુંઆધાર વરસાદ પડયો હતો. ઉચ્છલ તાલુકામાં રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના 6 કલાકમાં દેમાર 8 ઇંચ, સોનગઢમાં 3.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય, 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી
તો રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં ડોલવણમાં 6 ઇંચ, રાત્રે 12 થી સવારે 4 વાગ્યા સુધીના 4 કલાકમાં વાલોડમાં 3.5 અને વ્યારા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડયો હતો. શુક્રવારે સાંજે 4 વાગે પુરા થતાં 24 કલાકમાં ઉચ્છલમાં 8 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સોનગઢમાં 4.5 ઇંચ,વાલોડમાં 4.4 ઇંચ, વ્યારામાં 3.5 ઇંચ, કુકરમુંડામાં 1.6 ઇંચ તથા નિઝર તાલુકામાં 1.2 ઇંચ વરસાદી પાણી પડયું હતું, જેના કારણે વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંખરી, મીંઢોળા અને વાલોડ તાલુકાની વાલ્મિકી નદી ગાડીતૂર બનતા કાંઠા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતુ.
મહારાષ્ટ્રના નંદુરબારના અક્કલકુવા તરફથી વરસાદી નદી-નાળામાં પાણી આવતા કુકરમુંડા તાલુકાના પાણીબારા, કેવડાંમોઇ, મોરંબા અને તોરંદા સહિતના ગામોમાં રાત્રે પાણી ભરાયા હતા. સોનગઢ તાલુકામાં પણ કોતરડાના રસ્તાના ઉપરથી પાણી વહેતા થયા હતા. જેને લઇ સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે ને.હા.નં.953 પર પુલનું ધોવાણ થયું હતું. એજ રીતે આમલગુંડી ગામે પણ સ્ટેટ હાઇવે પર પુલનું ધોવાણ થઇ તૂટી ગયો હતો. વ્યારા તાલુકાના પેરવડ ગામે પણ પુલનો ડાબી તરફનો ભાગ સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. જેથી આ માર્ગો પરનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. ભારે વરસાદને પગલે વાલોડની વાલ્મિકી નદી કાંઠે પુલ ફળિયામાં ઘરો ડૂબી ગયા હતા. અનેક ગામોમાં પાણી ભરાતા વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાના મળી કુલ 14 ગામોના 916 લોકોનું સ્થળાંતર કરાયું હતું.
આ પણ વાંચો: નવસારીમાં ભારે વરસાદથી જળબંબાકાર, પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, ઘરોમાં ઘૂસ્યાં પાણી
એસડીઆરએફની ટીમ દ્વારા વાલોડના ચાર ગામમાંથી 104 અને સોનગઢના હીરાવાડી ગામે બે મળી 106 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા. વાલોડમાં જશુબેન રામુભાઇ હળપતિ (ઉ.વ.70) કોઝવે પરથી જતી હતી ત્યારે પગ પલસતા કોઝવેમાં પડી તણાઈ હતી. બાદમાં મૃત હાલતમાં લાશ મળી આવી હતી. છેવાડાના કુકરમુંડા તાલુકામાં પણ સ્ટેટ હાઇવેને જોડતા ઈંટવાઈ ફૂલવાડી રોડ પર કોઝવે પાણીમાં ગરકાવ થતા 4 ગામો અસરગ્રસ્ત થયા હતા. વધુ વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળતા વ્યારાના 28, ડોલવણના 30, સોનગઢના 27, વાલોડના 21 અને ઉચ્છલ તાલુકાના 9 મળી કુલ 115 રસ્તા બંધ થયા હતા. જોકે શુક્રવારે બપોર બાદથી જિલ્લામાં વરસાદ ધીમો પડતા નદી-નાળા પરના પાણી પણ ઓસરવા લાગયા હતા.
ઉચ્છલમાં વિજળી ડૂલ થતા વરસાદ વચ્ચે અંધારપટ છવાયો
તાપી જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ઉચ્છલ તાલુકામાં પણ રાત્રે 2 વાગ્યા બાદ ધુંઆધાર વરસાદ પડયો હતો.જે દરમિયાન રાત્રે 2 વાગ્યા બાદ વીજ લાઈન પર ટ્રાન્સફોર્મર બગડવા સહિતની સમસ્યા સર્જાઇ હતી અને એક વીજ પોલ તૂટી જતા વિજળી ડૂલ થતાં તાલુકા મથકે અંધારપટ છવાયો હતો. જેથી લોકોએ વરસાદી માહોલમાં આખી રાત અંધારામાં ગુજારવી પડી હતી. સમારકામ બાદ શુક્રવારે બપોર બાદ વીજ પુરવઠો ફરી શરૂ થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
પાંચ વર્ષ પહેલાનો સોગનઢ-બરડીપાડા નેશનલ હાઇવે પરનો પુલ તૂટી પડયો
તાપી જિલ્લામાં રાત્રે પડેલા ભારે વરસાદને પગલે સોનગઢ તાલુકામાં સોનગઢ -બરડીપાડા ને.હા. નં.953 પર હીરાવાડી ગામની સીમમાં ધોવાણ થતા પુલ બેસી ગયો હતો. આ પુલ પાંચ વર્ષ પહેલા જ બન્યો હોવાનું જાણવા મળે છે. વાહનોની અવાર જ્વર માટે બરડીપાડા જવા સોનગઢના ડોસવાડા,ટેમકા તરફના રસ્તે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હતી. એ જ રીતે સરૈયા બંધારપાડા ટેમકા ગામના સ્ટેટ હાઇવે પર સોનગઢના આમલગુંડી ગામનો પુલ પણ ધોવાણ થતા બેસી ગયો હતો. જેથી ગોપાલપુરા તરફના રસ્તે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. તથા વ્યારા તાલુકાના પેરવડથી ઝાંખરી ગામ તરફ જતા રસ્તા પરનો પુલનો ડાબી તરફનો ભાગ સંપૂર્ણ ધોવાઈ ગયો હતો. જેથી વૈકલ્પિક માર્ગ પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
બારડોલીના ખરડ અને છીત્રા ગામ સંપર્ક વિહોણા બન્યા
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના પૂર્ણા નદી કિનારે આવેલા ખરડ અને છીત્રા ગામે પૂરના પાણી ભરાતાં બંને ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. ગામની ફરતેના તમામ રોડ પાણીમાં ડૂબી જતાં વહીવટી તંત્રએ બોટ મારફતે ફસાયેલા 346 લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. શુક્રવારે સાંજના સમયે નદીની જળ સપાટી ઘટતાં તમામ સલામત પોતાના ઘરમાં રહ્યા હતા.