વાવડી, મવડીમાં 40 ઝુંપડા ઉપર તંત્રનું બુલડોઝર : 2 વૃધ્ધા બેભાન થઈ ગયાં

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
વાવડી, મવડીમાં 40 ઝુંપડા ઉપર તંત્રનું બુલડોઝર : 2 વૃધ્ધા બેભાન થઈ ગયાં 1 - image


રૂા. 20 કરોડની કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ : 5 ઝુંપડામાં સામાન હોવાથી ડિમોલીશન માટે 2 દિવસની મુદત અપાઈ: કલેક્ટરને રજૂઆત કરાઈ

રાજકોટ, : રાજકોટનાં વાવડી અને મવડી વિસ્તારમાં આવેલ સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલ 40 જેટલા કાચા-પાકા ઝુંપડા ઉપર મામલતદારે બુલડોઝર ફેરવી 20 કરોડની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. વાવડીમાં ડિમોલીશન દરમિયાન બે વૃદ્ધા બેભાન થઈ જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. 

વાવડીનાં સર્વે નં. 149ની સરકારી જમીનમાં 10 જેટલા ઝુંપડા બનાવી સરકારી જમીનમાં પેશકદમી કરવામાં આવી હતી. તાલુકા મામલતદારે તમામ 10 ઝુંપડાધારકોને જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી આમ છતાં જમીનનો કબ્જો ખાલી નહી કરતા આજે સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર સહિતની ટીમ દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. 5 ઝુંપડા તોડી પડાયા બાદ પાંચ ઝુંપડામાં સામાન હોય, ખાલી કરવા વધારાની મુદ્દત આપવા દબાણકારોએ આજીજી કરી હતી આથી ટીમ દ્વારા બે દિવસની મુદ્દત આપી હતી.

મામલતદાર તંત્ર દ્વારા ગરીબ પરિવારના ઝુંપડા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા નજર સામે જ આશિયાના છીનવાતું જોઈ બે વૃદ્ધા બેભાન થઈ જતાં તાબડતોબ 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડિમોલીશન દરમિયાન આ બનાવ બનતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને આ મામલે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

મવડીનાં પ્રગટેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સર્વે નં. 194ની સરકારી જમીનમાં 25 થી 30 જેટલા કાચા મકાનો ખડકાઈ જતા દક્ષિણ મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી રૂા. 15 કરોડની કિંમતની 3000 ચો.મીટર જમીન ખુલ્લી કરાવી હતી. અગાઉ પણ બે વખત આ જમીન ઉપર મામલતદાર તંત્ર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. 25થી વધુ ઝુંપડાધારકો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવતું હોવાની ફરિયાદ બાદ ડિમોલીશન કરી જમીન ખુલ્લી કરાવી હતી.


Google NewsGoogle News