ડ્રેગનને હંફાવશે 'જોરાવર': ગુજરાતમાં બનાવાઈ ટેન્ક, ખાસિયત એવી કે દુશ્મનો ધ્રુજી જશે
Zorawar Light Tanks : ચીન સામે લડત આપવા માટે ભારતીય સેનામાં જોરાવરની એન્ટ્રી થશે. ત્યારે સંરક્ષણ અને સંશોધન સંસ્થા (DRDO) અને લાર્સન એન્ડ ટર્બોએ (L&T) સાથે મળીને ભારતીય સેના માટે ટેન્ક બનાવવામાં આવી છે. સુરતના હજીરા ખાતે 2 વર્ષથી તૈયાર કરવામાં આવી રહેલી આ ટેન્કનું નામ 'જોરાવર' રાખવામાં આવ્યું છે. 19મી સદીના ભારતીય કમાન્ડર જોરાવર સિંહના સન્માનમાં આ ટેન્કનું નામ રાખવામાં આવ્યું છે.
ચીન બોર્ડર પર તૈનાત કરાશે
વિમાનથી લઈ જઈ શકાય તેવા 25 ટનનું વજન ધરાવતા જોરાવર ટેન્કનું ગત શનિવારના (6 જુલાઈ) રોજ ગુજરાતમાં આલેવા L&T નાં પ્લાન્ટ ખાતે DRDO ના પ્રમુખ ડૉ. સમીર કામથની હાજરમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેન્ક આકારમાં ખૂબજ નાની છે. પરંતુ મજબૂત ટક્કર આપવામાં સક્ષમ છે. કહેવામાં આવી રહ્યું છે કે, 2027 સુધીમાં આ ટેન્કને ભારતીય સેનામાં સામિલ કરવામાં આવશે અને લદ્દાખમાં ચીનની બોર્ડર નજીકમાં તૈનાત કરવામાં આવશે.
શું છે જોરાવરની ખાસિયત
ખૂબ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલી જોરાવર ટેન્કની સૌથી મોટી ખાસિયત છે કે તેનું વજન માત્ર 25 ટન જ છે. શરુઆતમાં ભારતીય સેનાને 59 ટેન્ક આપવામાં આવશે. ત્યારબાદ સેનાને 295 ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવશે. ચીન સામેની મુશ્કેલી ભરેલી સ્થિતિમાં ભારતીય સેના 354 જોરાવર ટેન્ક મંગાવી શકે છે. જોરવાર ટેન્કનું વજન 25 ટન, 750 હોર્સ પાવરનું એન્જિન ધરાવે છે.
પહાડી વિસ્તારોમાં ટેન્કને સરળતાથી લઈ જઈ શકાશે
તેમાં 105 મિ.મી. કેલિબરથી વધુની બંદૂક લગાવવામાં આવી છે, જેની મદદથી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ તાકી શકે છે. જોરાવરમાં ડ્રોનની સાથે જ બેટલ મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં જ્યાં અન્ય ટેન્ક પહોંચી શકતી નથી ત્યાં આ ટેન્ક સફળતા પૂર્વક ઓપરેશનને પાર પાડવામાં સક્ષમ છે. LAC પર ટેન્કને લઈ જવી ખૂબ જ પડકારજનક હોય છે. ત્યારે જોરાવરને C-17 વિમાન દ્વારા સરળતાથી આ ટેન્કને લઈ જઈ શકાશે.
ચીનના લાઈટ ટેન્કને ટક્કર આપશે જોરાવર
ચીને LAC પર તૈનાત કરેલા લાઈટ ટેન્ક ZTQ-15 (ટાઈપ 15) નું વજન 33 ટન છે. આમ ઓછું વજન ધરાવતા હોવાથી આવા ટેન્કને સરળતાથી પહાડી વિસ્તારોમાં લઈ જઈ શકાય છે. ત્યારે ભારતીય સેનામાં ઉપલબ્ધ રશિયન બનાવટી ટેન્ક T-72 અને T-90 નું વજન 40 ટન જેટલું છે, પરંતુ ભારતીય ટેન્કની ટાર્ગેટ ક્ષમતા ચીની લાઈટ ટેન્કની તુલનાએ વધુ છે. જોરાવર ટેન્કનું વજન ચીની ટેન્કની તુલનાએ ખૂબ જ ઓછું છે. ચીનની ટાઈપ 15 ટેન્ક 1000 હોર્સ પાવરની ક્ષમતા ધરાવે છે, જેમાં 105 મિ.મી. કેલિબરની ગન લાગેલી છે. જોરાવર 30 પ્રતિ હોર્સ પાવરની ક્ષમતાથી સજ્જ છે. એટલાં માટે હળવું વજન હોવા છતાં જોરાવરની ટાર્ગેટ અને ટેકનિકલ ક્ષમતાઓમાં ટાઈપ 15 ની સમાન છે.